ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તાત્પર્યવૃત્તિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તાત્પર્યવૃત્તિ/શક્તિ : તાત્પર્યશક્તિ શબ્દની નથી પરંતુ વાક્યની છે. અને ભાટ્ટમીમાંસકો એટલેકે કુમારિલ ભટ્ટ વગેરેએ તેનો સ્વીકાર કર્યો છે. અભિધા દ્વારા શબ્દનો એટલેકે સ્વતંત્ર રીતે શબ્દોનો વૈયક્તિક અર્થ સપ્રાપ્ત કરી શકાય છે. પરંતુ આખા વાક્યનો અન્વિત અર્થ પ્રાપ્ત કરી શકાતો નથી. તે માટે એક નવી જ શક્તિ સ્વીકારવી પડે છે તે છે તાત્પર્યશક્તિ. આ તાત્પર્યવૃત્તિથી પ્રાપ્ત થતા અર્થને ‘તાત્પર્યાર્થ’ કહેવામાં આવે છે. તાત્પર્યાર્થ એ વાક્યમાંનાં બધાં પદોનો અન્વિત અર્થ છે. મીમાંસકો પ્રમાણે આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ અથવા આસત્તિથી યુક્ત પદોચ્ચય એટલે વાક્ય. અભિનવગુપ્તે પણ વાક્યાર્થને વિષે તાત્પર્યશક્તિ રહેલી સ્વીકારી છે. અભિધા, લક્ષણા અને તાત્પર્ય પછી વ્યજંનાને શક્તિ-વૃત્તિ તરીકે ઉલ્લેખી છે. ભોજે પોતાની આગવી રીતે તાત્પર્યવૃત્તિનું નિરૂપણ કર્યું છે. શબ્દયત્પરક હોય તે થયો શબ્દાર્થ એમ તાત્પર્ય. છે. આ તાત્પર્ય વાક્યના અનુસન્ધાનમાં જ હોઈ શકે. કારણ પદ દ્વારા અભિપ્રાય પ્રકાશિત થઈ શકશે નહીં. વાક્ય વડે પ્રતિપાદિત વિગત અભિધીયમાન, પ્રતીયમાન અને ધ્વનિરૂપ હોઈ શકે. ભોજે પરંપરાગત તાત્પર્યવિચારને બદલી નાખ્યો છે. ભોજમાં તાત્પર્યનામ ધ્વનિ માટે પણ પ્રયોજાયું છે. કાવ્ય વાક્યોનું તાત્પર્ય તેમણે ધ્વનિરૂપ ગણ્યું છે. ધનંજયના ટીકાકાર ધનિકે અવલોકમાં ‘ધ્વનિ’ને તાત્પર્યમાં જ અંતર્ભાવિત કર્યો છે. તેમના મતે તાત્પર્ય વક્તાનો બધોય અભિપ્રાય વ્યક્ત કરી શકે છે. તાત્પર્ય કંઈ ત્રાજવે તોળાય એટલું જ નથી. જ્યાં સુધી કાર્યનું પ્રસારણ થાય ત્યાં સુધી તાત્પર્ય હોઈ શકે. રસને પણ તેમણે વાક્યાર્થરૂપ જ ગણ્યો છે તાત્પર્યથી તેની સિદ્ધિ માની છે અને વ્યંજનાને નકારી છે. તેમના મતે રસાદિનો કાવ્ય સાથે વ્યંગ્યવ્યંજકભાવ સંબંધ નથી પણ ભાવ્યભાવકભાવ સંબંધ છે. મુકુલભટ્ટે તાત્પર્યનો અભિધામાં જ અંતર્ભાવ વિચાર્યો અને એ રીતે પ્રભાકરનું જ સમર્થન કર્યું છે. મુકુલે જો કે અભિહિતાન્વયતાવાદ અને અન્વિતાભિધાનવાદનો સમન્વય સાધવાનો પ્રયાસ પણ કર્યો છે. મહિમ ભટ્ટે તાત્પર્યવૃત્તિને અનુમાનથી ગતાર્થ ગણી છે. મમ્મટે બીજા ઉલ્લાસમાં તાત્પર્યવૃત્તિના અનુસન્ધાનમાં કુમારિલભટ્ટના અભિહિતાન્વયવાદ અને પ્રભાકરના અન્વિતાભિધાનવાદની ચર્ચા કરી છે. અને પછી પંચમ ઉલ્લાસમાં અન્વિતાભિધાનવાદને વિસ્તૃત કર્યો છે. મમ્મટે અત્યંત લાઘવથી કુમારિલ ભટ્ટનો મત સમજાવ્યો છે. વાક્યાર્થ પદાર્થોના સમૂહ કરતાં કંઈક વિશેષ છે. આકાંક્ષાદિના બળથી પદાર્થોનો સમન્વય થયા પછી વિશેષરૂપ તાત્પર્યાર્થ, જે અપદાર્થરૂપ હોવા છતાં વાક્યાર્થરૂપ છે. તે ઉલ્લસિત થાય છે. આમાં અભિહિત પદોનો અન્વય તાત્પર્યશક્તિના બળે થાય છે. જે સમગ્ર વાક્યનો બોધ કરાવે છે. પદો, પદાર્થો આપીને ક્ષીણશક્તિ થઈ જાય છે. આથી અન્વિતાર્થનો બોધ કરાવવા તેઓ સક્ષમ રહેતા નથી. વળી પદો અને વાક્યાર્થ વચ્ચે પદાર્થ રહેલો છે. તેથી પદો સીધેસીધો અન્વિત અર્થ આપી શકતાં નથી. તેથી પદાર્થો અન્વિત થઈને વાક્યાર્થ બોધ કરાવે છે. આ સંદર્ભમાં આંકાક્ષા, યોગ્યતા અને સન્નિધિને સમજવાં પડે. આકાંક્ષા એટલે प्रतिपत्तु जिज्ञासा । प्रतिपत्तानि जिज्ञासा. અર્થાત્ પ્રતીતિનું અપર્યવસાન અર્થ પૂરેપૂરો ન સમજાય અને શ્રોતાની જિજ્ઞાસા અધૂરી રહે તે આકાંક્ષા જેમકે गाम् आनय – ગાય લઈ આવ – એક વાક્ય છે. હવે ગાય લાવને બદલે ખાલી ગાય એટલો જ શબ્દ ઉચ્ચારવામાં આવે તો ગાયનું શું? એવી જિજ્ઞાસા જાગે છે. आनय લઈ આવ એવું બીજું પદ કહેવામાં આવે પછી જ શમે છે. વળી આ પદો પરસ્પર આકાંક્ષા ધરાવતાં હોવા જોઈએ. गाम् न आनय પદની અને आनयને गामा પદની આકાંક્ષા હોય છે. એ સિવાય गाम, अश्व, चैत्र વગેરે ખાલી શબ્દો જ ભેગા કરીએ તો વાક્ય સર્જાતું નથી. કારણ કે તેમની વચ્ચે આકાંક્ષા નથી. યોગ્યતા એટલે पदार्थानां परस्पर संबन्धे बाधाभाव : પદાર્થોના પરસ્પરના સંબંધમાં બાધાનો અભાવ હોવો જોઈએ. આકાંક્ષા હોય એટલું જ નહીં પરંતુ જેમકે अग्निना सिञिचति –માં સીંચવાની ક્રિયા અગ્નિ સાથે જોડાય તો ઔચિત્ય રહેતું નથી. સીંચવાની ક્રિયા જળ સાથે જોડાય તો જ યોગ્ય છે. जलेन सिञिचति જળથી સીંચે છે. એમાં નામ અને ક્રિયાનું અનુસન્ધાન યોગ્ય છે. બાધ વગરનું છે. સન્નિધિ એટલે पदानामविलम्बेनोच्चारणं सतिधि। પદોનું વિલંબ વગરનું ઉચ્ચારણ. गाम् સવારે ઉચ્ચારાય અને आनय સાંજે તો આકાંક્ષા અને યોગ્યતા હોવા છતાં વાક્ય નથી બનતું. આમ પરસ્પર આકાંક્ષા-યોગ્યતાવાળાં પદો ગાળો પાડ્યા વગર જ ઉચ્ચારાય તો વાક્ય બને. હવે વાક્યમાં જ વપરાયેલાં પદો જો અભિધાથી નિયત અર્થ જણાવી દે એટલે તેમની શક્તિ પૂરી થઈ જાય છે. એટલે એ પદો આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ સાથે સંકળાતાં તે દરેકમાં અર્થનો ફેરફાર થાય છે અને એ અર્થો ભેગા થતાં સમગ્ર – અખંડ વાક્યનો એક અર્થ પ્રગટ થાય છે. તે જ તાત્પર્યાર્થ છે. આમ અભિહિતનો અન્વય તે તાત્પર્યવૃત્તિ છે એવો અભિહિતાન્વયવાદી કુમારિલ ભટ્ટનો અભિપ્રાય છે. જ્યારે પ્રભાકરનો મત અન્વિતાભિધાનને નામે જાણીતો છે તેઓ તાત્પર્યશક્તિની અનિવાર્યતા સ્વીકારતા નથી. તેમના મતે અન્વિત પદો જ સીધો વાક્યાર્થ આપી શકે છે. તેઓ બાળકો જે સ્વાભાવિક રીતે ભાષા પકડે છે તે પ્રક્રિયાને વજન આપે છે. વૃદ્ધવ્યવહારના નિરીક્ષણથી બાળક પદાર્થોના બોધ પર આવે છે. ગાય લાવ એવા ઉત્તમ વૃદ્ધના આદેશનું પાલન કરતાં તે મધ્યમવૃદ્ધને જુએ છે. અને પ્રત્યક્ષ અનુમાન અને અર્થાપત્તિ પ્રમાણોથી ‘ગવાનયનરૂપ’ ક્રિયાને જોયા બાદ “આનો અર્થ આ” એમ નિશ્ચય કરે છે. ટૂંકમાં પદો આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિના બળે જ અર્થપ્રતિપાદન કરે છે. પદો પદાર્થો પણ આપે છે. અને સાથે સાથે અન્વયબોધ પણ કરાવે છે. પદોમાંથી આમ સીધો જ અભિધાર્થ રૂપે વાક્યાર્થબોધ થાય છે. હેમચંદ્ર, વિદ્યાધર, વિશ્વનાથ બંને મતો મમ્મટને અનુસરીને નોંધે છે. પાછળથી ધ્વનિવાદની જ પ્રબળ બોલબોલા થઈ. તાત્પર્યવૃત્તિને બહુ અવકાશ રહ્યો નહીં. પા.માં.