ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તાદર્થ્ય
તાદર્થ્યઃ ૧૯૮૬થી મફત ઓઝાના સંપાદકપદે ‘તાદર્થ્ય’ માસિકનો આરંભ થયેલો. સર્વસ્વરૂપલક્ષી આ સામયિકે કવિતા, વાર્તા, અભ્યાસલેખો અને સર્જકોની મુલાકાતો નિયમિતપણે આપી છે. ‘તાદર્થ્ય’ના તંત્રીલેખોમાં સાંપ્રત સાહિત્ય વિશેના આકરા લખાણોથી એમણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ સામયિકના અનેક વિશેષાંકો પણ તંત્રી તરીકેની એમની સક્રિયતાનો અંદાજ આપનારા છે. ‘જાતર’ જેવી નવલકથા, પાશ્ચાત્ય નવલકથાના અનુવાદો અને ઉમાશંકર જોશી, સુન્દરમ્, ચં.ચી. મહેતા જેવા સર્જકવિષયક વિશેષાંકો ધ્યાનાર્હ છે. વર્ષમાં બે કે બેથી વધુ વિશેષાંકો આપવાની ‘તાદર્થ્ય’ની પરંપરા રહી હતી. તંત્રી મફત ઓઝાના અવસાન બાદ એમના પુત્રી પૂર્વી ઓઝાએ જાન્યુ. ૧૯૯૮થી આ સામયિકનું સંપાદન સંભાળ્યું હતું. હાલ એમના તંત્રી સવિતા ઓઝા છે.
કિ. વ્યા.