ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તીર્થંકરો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તીર્થંકરો : જૈનોના સુપ્રસિદ્ધ નમસ્કાર-મંત્રમાં પાંચ પદોને નમસ્કાર કરવામાં આવ્યા છે. એમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-પદને સર્વોચ્ચતા આપવામાં આવી છે. આ પાંચ પૈકીનાં પ્રથમ બે પદ-અરિહંત અને સિદ્ધ એ દેવતત્ત્વને દર્શાવનારાં છે; જ્યારે પછીના ત્રણ પદ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુતત્ત્વને દર્શાવનારાં છે. જે આત્મા આ સંસારમાં મનુષ્યદેહ ધારણ કરી જન્મ પામ્યા પછી, સંસારનાં મોહમાયા ત્યજી, અનેક ઉપસર્ગો પરીષહો, સહન કરી, ચાર પ્રકારનાં ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી તીર્થ-પ્રવર્તક બને છે તેને તીર્થંકર કહે છે. આ તીર્થંકર ૩૪ અતિશયોને યોગ્ય હોઈ એમને ‘અર્હત્’ પણ કહે છે ‘અર્હત્’ પરથી પ્રાકૃતમાં “અરિહંત” શબ્દ પ્રચલિત બન્યો છે. તીર્થંકર-પદ પ્રાપ્ત કરનારને પણ, એ પ્રાપ્તિ અગાઉ અનેક ભવભવાંતરમાંથી પસાર તો થવું જ પડે છે, જેમકે મહાવીરસ્વામીના ૨૭ ભવ થયા હોવાની જૈન માન્યતા છે. પછી શુભ નિમિત્તો પ્રાપ્ત થતાં, સ્વર્ગપુરુષાર્થ દ્વારા કર્મોનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી તે મોક્ષગામી બને છે. વર્તમાનમાં ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થંકરો છે. આ ૨૪ તીર્થંકરોના સમૂહને “ચોવીસી” કહે છે. ઋષભદેવ પહેલા તીર્થંકર હોઈ એમને આદિનાથ કે આદીશ્વર પણ કહેવામાં આવે છે. જૈન માન્યતા અનુસાર વર્તમાન, અતીત અને અનાગત એમ ત્રણ પ્રકારની ‘ચોવીસી’ના તીર્થંકરોનું જ આરાધન-પૂજન-સ્તવન વિશેષ વ્યાપક છે. વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકરો આ પ્રમાણે છે : ૧. ઋષભદેવ, ૨. અજિતનાથ, ૩. સંભવનાથ, ૪. અભિનંદન, ૫. સુમતિનાથ, ૬. પદ્મપભુ, ૭. સુપાર્શ્વનાથ, ૮. ચંદ્રપ્રભા, ૯. સુવિધિનાથ, ૧૦. શીતલનાથ, ૧૧. શ્રેયાંસનાથ, ૧૨. વાસુપૂજ્ય સ્વામી, ૧૩. વિમળનાથ, ૧૪. અનંતનાથ, ૧૫. ધર્મનાથ, ૧૬. શાંતિનાથ ૧૭. કુંથુનાથ, ૧૮. અરનાથ, ૧૯. મલ્લિનાથ, ૨૦. મુનિસુવ્રતસ્વામી, ૨૧. નમિનાથ, ૨૨. પાર્શ્વનાથ, ૨૪. મહાવીર સ્વામી. આમાંથી ૨૨મા તીર્થંકર નેમિનાથ કૃષ્ણના પૈતૃકભાઈ ગણાય છે. જે ગિરનાર પર્વત પર સિદ્ધિ પામ્યા. ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથનો સમય ઈ.પૂ. ૮૭૬થી ઈ.પૂ. ૭૭૬ મનાયો છે. ડૉ. યાકોબી વગેરેએ પાર્શ્વનાથને ઐતિહાસિક વ્યક્તિ તરીકે સ્વીકાર્યા છે. જ્યારે સર ભાંડારકરે નેમિનાથને પણ ઐતિહાસિક વ્યક્તિ જણાવ્યા છે. ૨૪મા તીર્થંકર મહાવીર ઈ. પૂ. ૫૯૮માં જન્મી ઈ.પૂ. ૫૨૬માં નિર્વાણ પામ્યા. જૈનોમાં પ્રચલિત વીરસંવતનો આરંભ મહાવીરના નિર્વાણકાળથી થાય છે. જૈન ગ્રન્થોમાં, પ્રત્યેક તીર્થંકરનાં ઊંચાઈ, વર્ણ, માતાપિતા, ભવસંખ્યા ચ્યવન-જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન-નિર્વાણ આદિ કલ્યાણકો, લાંછન (ઓળખચિહ્ન) વગેરેની માહિતી નિશ્ચિત કરવામાં આવી છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરતી અનેક રચનાઓ જૈન સાહિત્યમાં સર્જાઈ છે. કા.શા.