ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દ્રષ્ટિબિન્દુ
દૃષ્ટિબિન્દુ (Point of view) : કર્તાના કૃતિ પરત્વેના નિશ્ચિત વલણને સૂચવતું દૃષ્ટિબિંદુ. સાહિત્યકૃતિના સંદર્ભમાં ત્રણ પ્રકારનાં દૃષ્ટિબિન્દુઓ હોય છે : ૧, ભૌતિક(Physical), ૨, માનસિક(Mental), ૩, અંગત(Personal). ભૌતિક દૃષ્ટિબિંદુમાં સર્જક કૃતિની સામગ્રીને સ્થળ(Space) અને કાળ (Time)ના સંદર્ભમાં કઈ રીતે મૂલવે છે તેનું સૂચન છે. માનસિક દૃષ્ટિકોણમાં કૃતિના વસ્તુ તરફ સર્જકની લાગણીઓ તથા તેના અભિગમોનો સંકેત મળે છે. અંગત દૃષ્ટિકોણમાં કૃતિની રજૂઆતની પદ્ધતિનું સૂચન છે – જેમકે પ્રથમ પુરુષમાં લખાતી કૃતિ કે ત્રીજા પુરુષમાં લખાતી કૃતિ. કેટલીક કૃતિઓમાં કથાનો સૂત્રધાર કૃતિનું દૃષ્ટિબિંદુ રજૂ કરતો હોય છે. આ સંજ્ઞા મુખ્યત્વે કથા સાહિત્યના સંદર્ભમાં પ્રયોજાય છે. ઝાં જેનેત આ સંજ્ઞાને બદલે Focalisationનો વિયોગ કરે છે, એને મતે એ વધુ તટસ્થ સંજ્ઞા છે.
પ.ના.