ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધમ્મપદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ધમ્મપદ : બૌદ્ધધર્મ અને પાલિસાહિત્યનો મહત્ત્વનો પદ્યાત્મકગ્રન્થ. હિંદુ ધર્મશાસ્ત્રમાં જે સ્થાન ભગવદ્ગીતાનું છે, તે બૌદ્ધધર્મ સાહિત્યમાં ‘ધમ્મપદ’નું છે. ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ બાદ તેમનાં ઉપદેશવચનોનું ત્રણ વિભાગમાં ત્રિપિટક સાહિત્યમાં જે સંકલન કરવામાં આવ્યું હતું તેના દ્વિતીય વિભાગના ‘સૂતપિટક’ ગ્રન્થમાં ‘ખુદ્દકનિકાય’ગ્રન્થનો આ એક ખંડ છે. ધર્મ વિશેનું વાક્ય અથવા માર્ગ તે ‘ધમ્મપદ. ધમ્મપદની કુલ ૪૨૩ (કે ૪૨૪) ગાથાઓ ૨૬ વર્ગમાં વિભક્ત છે. દરેક વર્ગનો વર્ણ્યવિષય ભિન્ન ભિન્ન છે અને વિષય અનુસાર વર્ગનું નામ આપવામાં આવ્યું છે, જેમકે ‘અપ્પમાદ વગ્ગ, બુદ્ધ વગ્ગ, જરા વગ્ગ...વગેરે. તેની સરળ અને મર્મસ્પર્શી ગાથાઓમાં મૈત્રી અને ક્ષમાભાવ, અપ્રમાદ, મિથ્યા અને સમ્યક દૃષ્ટિ, ચાર આર્યસત્ય, આર્યઅષ્ટાંગિક માર્ગ, સંસારની અનિત્યતા, તૃષ્ણા, જરા, વ્યાધિ, દેહની ક્ષણભંગુરતા, બુદ્ધત્વ, વર્ણવ્યવસ્થા, ભિક્ષુની યોગ્યતાઓ વગેરે વિશે નિરૂપણ થયું છે. નીતિના સર્વ આદર્શો તેમાં સમન્વિત થયા છે. ‘ધમ્મપદ’ની ગાથાઓ અનુષ્ટુપ, ત્રિષ્ટુપ તથા ઈન્દ્રવજ્ર, છંદોમાં રચાયેલી છે. પાલિ ભાષામાં નિશ્ચિત સન્ધિનિયમો નહિ હોવાથી, છંદોના આયોજનમાં શિથિલતા જોવા મળે છે. તેનું રચનાવિધાન સરળ અને સ્વાભાવિક છે. અન્ય વર્ગોની અપેક્ષાએ યમકવર્ગ અને સહસ્રવર્ગનું રચનાવિધાન જુદું છે. યમકવર્ગમાં બબ્બે શ્લોકના જોડકા દ્વારા વિષયનું વિધેયાત્મક અને નિષેધાત્મક રીતે નિરૂપણ કર્યું છે. ‘સહસ્રવર્ગ’માં સહસ્રની ઉપમા દ્વારા અભિપ્રેત વિષયની રજૂઆત કરી છે, જેમકે યુદ્ધના મેદાનમાં હજારો મનુષ્યોને જીતવા કરતાં આત્મવિજય દુષ્કર છે. મૂળ પાલી ‘ધમ્મપદ’ના પ્રાકૃત, સંસ્કૃત, તિબેટી, ચીની આદિ ભાષાઓમાં થયેલા પ્રાચીન અનુવાદો ઉપરાંત વર્તમાન સમયમાં વિશ્વની અનેક ભાષાઓમાં ‘ધમ્મપદ’નો અનુવાદ ઉપલબ્ધ છે. નિ.વો.