ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધામી પંથ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ધામી પંથ/સંપ્રદાય : સ્થાવર પદાર્થો તથા જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ જેવા ચતુર્વિધ જીવો નાશવંત, ક્ષર છે. જ્યારે કૂટસ્થ અવિનાશી પુરુષ સગુણ-નિર્ગુણથી પર જ નહીં; નિત્ય, શુદ્ધ, બુદ્ધ, ચિદ્ઘન, અનંત, અખંડ અને સ્વલીલાદ્વૈત અર્થાત્ અક્ષરાતીત છે – એવી દર્શનપીઠિકા પર પ્રેમલક્ષણાભક્તિનું માહાત્મ્ય કરવા આચાર્ય દેવચન્દ્ર અને તેમના સંતશિષ્ય પ્રાણનાથે સ્થાપેલો સંપ્રદાય. અક્ષર પુરુષે રચેલા અસત્, જડ અને દુઃખપૂર્ણ સંસારનો પરિચય પામવા ક્ષરજગતમાં આવેલી બ્રહ્મપ્રિયાઓએ મોહમાયામાંથી મુક્ત થઈને પોતાનું મૂળરૂપ, ઘર, મેળો અને ધામધણીનું સ્મરણ કરતાં કરતાં જાગૃત થઈ તારતમનું જ્ઞાન પામવું જોઈએ. તેમજ સૌ ભક્તોએ જ્ઞાતિ-ધર્મનો ભેદ મિટાવી પરસ્પરને સાક્ષીભાવે સમજી-સ્વીકારીને, પ્રણામ કરીને આદર આપવાની સુનિશ્ચિત આચારસંહિતા ધરાવતો આ સંપ્રદાય ધામધણીની મહત્તા સ્વીકારતો હોઈ ધામી કહેવાયો છે, તો પ્રણામમુદ્રાને કારણે પ્રણામી સંપ્રદાય તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત સમાધિસ્થળે ઊગેલા ખીજડાને કારણે ખીજડા સંપ્રદાય તેમજ મહારાજ, અકલા તથા મિરજપંથી તરીકે પણ ઓળખાય છે. ધણીનું ‘ધામ’ એ શબ્દનો અર્થ બ્રહ્મના અલૌકિક પ્રદેશને ચીંધે છે જે સર્વોચ્ચ આધ્યાત્મિક દશા અર્થાત્ વિશુદ્ધ પ્રેમનું કેન્દ્ર છે. સારા કવિ અને ગુજરાતી ઉપરાંત ફારસી-અરબી, સંસ્કૃત ભાષાના જાણકાર પ્રાણનાથે પોતાના સમયમાં વિદ્યમાન સઘળા ધર્મો અને મહત્ત્વના ધર્મગ્રન્થોનું અધ્યયન કરીને એના સમન્વય રૂપે ઉપદેશ કરેલો, જેમાં થિયોસોફિકલ સંપ્રદાયની માફક સર્વધર્મો પરત્વેની ઉદારદૃષ્ટિ ધ્યાન ખેંચે છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠે તેમજ આસામ-નેપાળ સહિતના ઉત્તર ભારતમાં પ્રસાર પામેલા આ સંપ્રદાયના સાધુઓએ એમની ભક્તિપૂર્ણ કાવ્યરચનાઓથી હિન્દુ-મુસ્લિમ દ્વૈતભાવ મિટાવવાની સંનિષ્ઠ મથામણ કરી છે. ચં.ટો.