ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવલકથામાં પ્રથમપુરુષ પ્રયોગ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નવલકથામાં પ્રથમપુરુષ-પ્રયોગ : નવલકથામાં કોની અને શી કથા છે એના કરતાં કહેનાર કયા બિન્દુથી અને કયા રૂપે એ કહે-વર્ણવે છે એ કથનકેન્દ્ર (પૉઇન્ટ ઑવ વ્યૂ) વધુ મહત્ત્વનું છે. કલાસ્વરૂપ તરીકે નવલકથાની ટેકનીકનો વિચાર થવા માંડ્યો ત્યારથી કથનકેન્દ્રચર્ચા પ્રકાશવર્તુળમાં આવી. દુનિયાભરની નવલકથાઓમાં દેખાતાં બે મુખ્ય કથનકેન્દ્રોમાંથી એક તે સર્વજ્ઞનું કથનકેન્દ્ર, જેમાં ત્રીજાપુરુષમાં કથા કહેતો કથક / લેખક નવલકથાના ઘટના જગતની બહાર ઊભો રહીને ઘટનાનું અને દરેક પાત્રના આંતર-બહિરનું વર્ણન કરે છે. બીજું કથનકેન્દ્ર એ આત્મચરિત્રાત્મક પદ્ધતિએ થતું પ્રથમપુરુષ કથન. પ્રથમપુરુષ-પ્રયોગમાં કથક ઘટના જગતની વચ્ચે હોય છે. એ ‘હું’ રૂપે પોતાની ને અન્યની વાત કરતો હોય છે પણ એ, ‘હું’ એ લેખક પોતે નથી – નવલકથાનું જ ગૌણ કે મુખ્ય પાત્ર (-કે પાત્રો-) હોય છે. આત્મચરિત્ર એ સ્વ-કથા કે કૅફિયત નહીં પણ પદ્ધતિ-ટેક્નીક છે. પ્રથમપુરુષ કથનમાં એક પ્રકારની વિશ્વસનીયતા અને સ્પર્શક્ષમતા આવે છે.પાત્રચિત્તનો ને એની ક્રિયા-પ્રતિક્રિયાનો એક જીવંત આલેખ રચાય છે. વાચકનું ત્વરિત અને સાતત્યવાળું રસનિમજ્જન પણ એથી વધુ શક્ય બનતું હોય છે. ઘટના અને પાત્ર/પાત્રોના ભૂતકાળ-વર્તમાનની ક્ષણો કશા ખચકા કે સાંધા વિના સતત જોડાયેલી-સંયોજાયેલી રહી શકે છે. પ્રથમપુરુષ-રીતિની એક મર્યાદા એ સ્થળકાળ અને પાત્રસંદર્ભે ઊભી થતી વાસ્તવિક સર્વવ્યાપી અનુભવની સીમા છે. એકસાથે વિવિધ સ્થળ-સમય-પાત્રમાં વિહરી શકતા સર્વજ્ઞ કથકની અબાધિત મોકળાશ એ રીતિમાં શક્ય નથી હોતી. આ મોકળાશ સંદર્ભે એક વચલી સ્થિતિ તે એકાધિક પાત્રોના ક્રમેક્રમે આવતા આત્મકથનની પદ્ધતિ છે. જેમકે રવીન્દ્રનાથની ‘ઘરે બાહિરે’ કે જયંત ગાડીતની ‘બદલાતી ક્ષિતિજ’. આને લીધે એક જ પરિસ્થિતિ-વિશેષને એકાધિક રીતે જોઈ શકવાની કે એનાં એકાધિક પાસાંને પ્રકાશવર્તુળમાં લાવવાની સર્જનાત્મક સુવિધા પણ મળી શકે છે. સર્વજ્ઞ પદ્ધતિ નવલકથાને અહેવાલ-ચિંતન-ચર્યા આદિના પ્રવેશથી શિથિલ પણ બનાવે અને વાચકને ઘણીવાર કલ્પનાના વાસ્તવ(ફિક્શનલ રિયાલિટી)માંથી બહાર ફંગોળનાર બને, એમાંથી પ્રથમપુરુષ-પદ્ધતિ એને બચાવી શકે. ચુસ્ત સ્વરૂપ માટેની ને સાદ્યંત કલ્પનાજગતમાં રહેવાની શક્યતા એમાં સહજ જ ઊભી થાય છે. ર.સો.