ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃત્યનાટિકા
નૃત્યનાટિકા (Ballet) : ઇટલીમાંથી ફ્રાન્સ જઈ વિકસેલું આ દૃશ્ય-શ્રાવ્ય કલાસ્વરૂપ સત્તરમી સદીના યુરોપમાં માત્ર મનોરંજનનું માધ્યમ હતું, તથા મુખ્યત્વે રાજ-દરબારોમાં તેની રજૂઆત થતી. ૧૯૩૦ની આસપાસ અંગ્રેજ શાસન દરમ્યાન તે ભારતમાં પ્રવેશ્યું. ભારતનાં શાસ્ત્રીય નૃત્યો સાથેના સમાગમથી ‘નૃત્યનાટિકા’ તરીકે નવા પરિવેશમાં તે અસ્તિત્વમાં આવ્યું. ભારતનાં શાસ્ત્રીય નૃત્યો અને પશ્ચિમી પદ્ધતિનું કેટલુંક અનુકરણ, એ બન્ને તત્ત્વો તેમાં ભળ્યાં, અને નૃત્ય તથા નાટકના સમન્વય દ્વારા પદ્ય નાટ્યકૃતિઓ આ સ્વરૂપે ભજવાવા લાગી. આપણાં લોકનાટ્યો અને લોકનૃત્યોના પણ કેટલાક અંશો તેમાં ભળ્યા : ‘ભવાઈના લગભગ બધા જ વેશો નૃત્યનાટિકાઓ હતી...’ (રા. વિ. પાઠક, આકલન, પૃ. ૧૦૬) જેમકે રસિકલાલ પરીખકૃત ‘મેના ગુજરી’. પ.ના.