ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૉબેલ પુરસ્કાર
નૉબેલ પુરસ્કાર : માનવતાવાદી સ્વીડીશ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ બર્નાર્ડ નૉબેલ(૧૮૩૩-૯૬)ના વસિયતનામા અનુસાર ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન, તબીબીવિજ્ઞાન સાહિત્ય અને વિશ્વશાંતિ – એમ દરેક ક્ષેત્રે વિશ્વકક્ષાએ ઉત્તમ પ્રદાન કરનારને દર વર્ષે પ્રતિષ્ઠિત પુરસ્કાર અપાય છે. ૧૯૬૮થી સ્વીડનની સેન્ટ્રલ બૅન્ક દ્વારા નૉબેલના સ્મરણમાં અર્થશાસ્ત્ર અંગેનો પુરસ્કાર પણ ઉમેરવામાં આવ્યો છે. સાહિત્યક્ષેત્રે ‘આદર્શવાદી અભિગમથી નોંધપાત્ર કૃતિ રચનાર’ વ્યક્તિને નૉબેલની ઇચ્છા અનુસાર પુરસ્કાર અપાય છે. અલબત્ત શરૂની ‘આદર્શવાદી’ સંજ્ઞા ક્રમશ : ‘માનવતાવાદી નિસ્બત’ના બૃહદ અર્થ તરફ વિસ્તરવા પામી છે. ક્યારેક આ પુરસ્કાર ૧૯૦૪, ૧૯૧૭, ૧૯૬૬, ૧૯૭૪માં બન્યું છે તેમ બે લેખકો વચ્ચે વહેંચાયો છે; તો ક્યારેક યોગ્ય કૃતિને અભાવે ૧૯૧૪, ૧૯૧૮ અને ૧૯૩૫માં બન્યું છે તેમ કોઈને અપાયો નથી. ૧૯૪૦થી ૧૯૪૩ દરમ્યાન વિશ્વયુદ્ધને કારણે આ પુરસ્કાર બંધ રહ્યો છે. પુરસ્કાર આપતી સ્વીડીશ અકાદમી દર વર્ષે જે પસંદગી કરે છે એને કારણે ઊહાપોહ જન્મે છે અને એનો વૈશ્વિક પ્રભાવ પણ રહે છે. આ પુરસ્કાર વિવેચનની અભિજ્ઞતાને તીવ્ર કરે છે એ નોંધપાત્ર હકીકત છે. સમૂહમાધ્યમના પ્રભુત્વના આ યુગમાં નૉબેલ પુરસ્કાર વિશ્વસાહિત્ય અંગેની સમજણને વિકસાવવામાં સહાયક કામગીરી કરે છે એટલું જ નહિ વિવેચકો પણ આને કારણે એમના રાષ્ટ્રીય સાહિત્ય વિશે વાત કરે છે. તેમજ મુખ્ય ભાષાઓમાં એના અનુવાદની માગ કરે છે. આજ સુધીના નૉબેલ પુરસ્કારવિજેતા લેખકો આ પ્રમાણે છે : સ્યુલી પ્રુદોમ (૧૯૦૧, ફ્રેન્ચ); ટેઓડોર મોમઝન (૧૯૦૨, જર્મન); બ્યોર્નસ્ટેન બ્યોર્નસન (૧૯૦૩, નોર્વેજિયન); ફેદેરિક મિસ્ત્રાલ (૧૯૦૪, ફ્રેન્ચ); હોસે એકેગારાય (૧૯૦૪, સ્પેનિશ); હેન્રિક શેન્ક્યેવિચ (૧૯૦૫, પોલિશ); કારદુચી જોસ્વે (૧૯૦૬, ઇટાલિયન); રુડ્યર્ડ કિપલિંગ (૧૯૦૭, અંગ્રેજી); રુડોલ્ફ ઓય્કન (૧૯૦૮, જર્મન); સેલ્મા લાગરલેફ (૧૯૦૯, સ્વીડીશ); પોલ હાઈઝે (૧૯૧૦, જર્મન); મોરિસ મેટરલિન્ક (૧૯૧૧, બેલ્જિયન); ગેરહાર્ટ હોપ્ટમાન (૧૯૧૨, જર્મન); રવીન્દ્રનાથ ટાગોર (૧૯૧૩, ભારતીય); પુરસ્કાર નહિ (૧૯૧૪); રોમેં રોલાં (૧૯૧૫, ફ્રેન્ચ); વેર્નર ફોન હેડનસ્ટામ (૧૯૧૬, સ્વીડીશ); ગેલરૂપ કાર્લ (૧૯૧૭, ડેનિશ); પોન્ટોપિડાન હેન્રિક (૧૯૧૭), ડેનિશ); પુરસ્કાર નહિ (૧૯૧૮); કાર્લશ્પિટલર (૧૯૧૯, સ્વીસ); ક્નૂટ હામસૂન (૧૯૨૦, નોર્વેજિયન); ફ્રાન્સ આન્તોલ (૧૯૨૧, ફ્રેન્ચ); બેનાવેન્તે હાથીન્તો (૧૯૨૨, સ્પેનિશ); વિલ્યમ બટલર યેટ્સ (૧૯૨૩, આયરિશ); વાડીસ્નાફ સ્ટાનીસ્વાફ રેમોન્ટ (૧૯૨૪, પોલિશ); જ્યૉર્જ બર્નાર્ડ શૉ (૧૯૨૫, અંગ્રેજી); દેલેદા ગ્રાત્સ્યા (૧૯૨૬, ઇટાલિયન); આંરી બર્ગસોં (૧૯૨૭, ફ રેન્ચ); સિગ્રી ઉન્સેટ (૧૯૨૮, નોર્વેજિયન); ટોમસ માન (૧૯૨૯, જર્મન); સિન્કેલર લૂઈસ (૧૯૩૦, અમેરિકન); એરિક આક્સલ કાર્લફેલ્ટ (૧૯૩૧, સ્વીડીશ); જોન ગોલ્ઝવર્ધી (૧૯૩૨, અંગ્રેજી); ઈવાન બૂનિન (૧૯૩૩, રશિયન); લૂઈઝ પિરાન્દેલો (૧૯૩૪, ઈટાલિયન); પુરસ્કાર નહિ (૧૯૩૫); યૂજિન ઓ’નીલ (૧૯૩૬), અમેરિકન); રોઝે માર્તેદ્યુગાર (૧૯૩૭, ફ્રેન્ચ); પર્લ એસ બક (૧૯૩૮, અમેરિકન) ફ્રાન્સ એમિલ સિલ્લાનપે (૧૯૩૯, ફિનિશ); પુરસ્કાર નહિ (૧૯૪૦, ૧૯૪૧, ૧૯૪૨, ૧૯૪૩); યોહાનસ વિલ્હેમ યેન્સન (૧૯૪૪, જર્મન); ગ્રાવીલા મિસ્ત્રાલ (૧૯૪૫, ચીલીયન); હેરમાન હેસ (૧૯૪૬, જર્મન); આન્દ્રે જિદ (૧૯૪૭, ફ્રેન્ચ); ટી. એસ. એલિયટ (૧૯૪૮, બ્રિટીશ અમેરિકન); વિલ્યમ ફૉકનર (૧૯૪૯, અમેરિકન); બર્ટ્રાન્ડ રસેલ (૧૯૫૦, અંગ્રેજી); પેર લાગરક્વિસ્ટ (૧૯૫૧, સ્વીડીશ); ફ્રાન્સ્વા મોરિયાક (૧૯૫૨ ફ્રેન્ચ); સર વિન્સ્ટન ચર્ચિલ (૧૯૫૩, બ્રિટીશ); અર્નિસ્ટ હેમિંગ્વે (૧૯૫૪, અમેરિકન); હાલ્ડોર લાક્સનેસ (૧૯૫૫, આઇસેલેન્ડિક); વ્હાન રામોન હીમેનેથ (૧૯૫૬, સ્પેનિશ); આલ્બેર કામ્યૂ (૧૯૫૭, ફ્રેન્ચ); બોરિસ પેસ્તેરનેક (૧૯૫૮, રશિયન); સાલ્વાતોરે ક્વાઝિમોદો (૧૯૫૯, ઈટાલિયન); સિનજન પર્સ (૧૯૬૦, ફ્રેન્ચ); ઈવ આન્દ્રિચ (૧૯૬૧, યુગોસ્લાવિક); જોન સ્ટાઈનબેક (૧૯૬૨, અમેરિકન); યોરગોસ સેફેરિસ (૧૯૬૩, ગ્રીક); જ્યાં પૉલ સાર્ત્ર (૧૯૬૪, ફ્રેન્ચ);મિખાઈલ શોલોખોફ (૧૯૬૫, રશિયન); એસ. વાય. એગ્નોન (૧૯૬૬, હિબ્રૂ); નેલિ ઝાક્સ (૧૯૬૬, જર્મન) મિગ્યુઅલ એન્જલ આસ્તૂરયાસ (૧૯૬૭, સ્પેનિશ); યાસુનારી કાવાબાતા (૧૯૬૮, જપાનીઝ); સેમ્યુઅલ બેક્ટિ (૧૯૬૯, ફ્રેન્ચ); એલેકઝાન્દર સોલ્ઝેનિત્સીન (૧૯૭૦, રશિયન); પાબ્લો નેરુદા (૧૯૭૧, સ્પેનિશ); હાઈનરિખ બ્યોલ (૧૯૭૨, જર્મન); પેટ્રિક વ્હાઈટ (૧૯૭૩ ઓસ્ટ્રેલિયન); હેરી માર્ટિનસન (૧૯૭૪, સ્વીડીશ); ઇવિન્ડ જોન્સન (૧૯૭૪, સ્વીડીશ); યુજેનિયો મોન્તાલે (૧૯૭૫, ઈટાલિયન); સૉલ બેલો (૧૯૭૬, અમેરિકન); બીધેન્તે આલેઈકસાન્દ્રે (૧૯૭૭, સ્પૅનિશ); સિંગર આઈઝક બાશેવિસ (૧૯૭૮, યિડિશ); ઓડિસ્યૂસ ઈલીટિસ (૧૯૭૯, ગ્રીક); ચેસ્લો મિલોઝ (૧૯૮૦, પોલિશ); ઇલાયસ કાનેત્તિ (૧૯૮૧, જર્મન); ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વિઝ (૧૯૮૨, કોલંબિયન); વિલ્યમ ગોલ્ડિંગ (૧૯૮૩, બ્રિટીશ); યારોસ્લાવ સેય્ફર્ટ (૧૯૮૪, ચેકોસ્લોવાકિયન); કલોદ સિમન (૧૯૮૫, ફ્રેન્ચ); વોલ સોયિન્કા (૧૯૮૬, આફ્રિકન); જોસફ બ્રોડસ્કી (૧૯૮૭, અમેરિકન); નજિબ મહ્ફૂઝ (૧૯૮૮, ઇજિપ્શિયન); કામીલો હોસ થેલા (૧૯૮૯, સ્પેનિશ); ઓક્તાવિયો પાઝ (૧૯૯૦, મેક્સિકન); નાદિમ ગોર્ડિમેર (૧૯૯૧, આફ્રિકન); ડેરિક વૉલ્કોટ (૧૯૯૨, કરેબિયન); ટોની મોરિસન (૧૯૯૩, અમેરિકન); કેન્ઝાબુરો ઓએ (૧૯૯૪, જપાનીઝ), સીમસ હીની (૧૯૯૫, આયરિશ). ચં.ટો.