ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરબ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



પરબ : કાકા કાલેલકર દ્વારા, ‘તેજસ્વિતાની અખૂટ પરબ’ નીવડવાની શુભેચ્છા પામી, ૧૯૬૦માં અમદાવાદથી, અનુક્રમે નગીનદાસ પારેખ, નિરંજન ભગત, ભૃગુરાય અંજારિયા અને યશવન્ત શુક્લના સ્થાપક સંપાદકમંડળના માર્ગદર્શનમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું આરંભે ત્રૈમાસિક, વચ્ચે અનિયતકાલિક અને હાલ માસિક રૂપે પ્રગટ થતું મુખપત્ર. આવશ્યકતાનુસાર એના સંપાદનકાર્યમાં પીતામ્બર પટેલ, જયંત કોઠારી, મનસુખલાલ ઝવેરી, ગુલાબદાસ બ્રોકર, ભોળાભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ, જયંત પંડ્યા અને ચન્દ્રકાન્ત ટોપીવાળા જેવા વિદ્વાનોનો સહયોગ મળતો રહ્યો છે. ચંદ્રકાન્ત ટોપીવાળાની નિવૃત્તિ બાદ ક. લા. સ્વાધ્યાય મંદિરના નિયામકશ્રી રમેશ ર. દવેએ ડિસેમ્બર-૨૦૦૨ સુધી સંપાદક તરીકે સેવા આપી છે. તા. ૧-૨-૨૦૦૩થી મનહર મોદીએ ‘પરબ’નું સંપાદન ઉત્સાહપૂર્વક આરંભ્યું, શ્રી સંજય શ્રીપાદ ભાવેએ તથા પારુલ કંદર્પ દેસાઈએ સહસંપાદકીય સેવાસહાયથી સંપાદકની જવાબદારી સંભાળી હતી. મનહર મોદીનું અકસ્માત દુઃખદ અવસાન થતાં મે-૨૦૦૩થી યોગેશ જોશીએ એપ્રિલ ૨૦૨૧ સુધી સંપાદક તરીકે સેવા આપી છે. ભરત મહેતા મે-૨૦૨૧થી આ જવાબદારી સંભાળી રહ્યા છે. સાહિત્ય પરિષદનાં વાર્ષિક સંમેલનો-જ્ઞાનસત્રોના સવિસ્તૃત અહેવાલો તથા તેમાં રજૂ થયેલા નિબંધો, સાહિત્યસિદ્ધાન્તની ચર્ચાઓ, ગુજરાતી સાહિત્યનાં કર્તા-કૃતિ પરિચય-અવલોકનો તેમજ ભારતીય અને વિશ્વભાષાઓની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદ પ્રગટ કરતાં ‘પરબ’માં ૧૯૮૦થી કવિતા, ટૂંકી વાર્તા, લલિતનિબંધ, નવલકથાખંડ અને એકાંકી-નાટક જેવી સર્જનાત્મક કૃતિઓ પણ પ્રગટ થાય છે. ‘પરબ’માં સર્જનાત્મક સાહિત્યકૃતિઓ, વિવેચન અને સંશોધનના અભ્યાસનિષ્ઠ લેખો પ્રગટ થાય છે. એમાં આવતાં લખાણોએ ઊંચી ગુણવત્તા જાળવી છે. ગુજરાતી ભાષાનું ભાષા-વિજ્ઞાનવિષયક સામયિક ‘ભાષાવિમર્શ’ હવે ‘પરબ’માં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. રવીન્દ્રસાહિત્ય, વાર્તાવિવેચન, ગુજરાતી માધ્યમની પહેલી પચ્ચીસી, સાહિત્ય અને પત્રકારત્વ, ઉર્દૂસાહિત્ય અને ગુજરાત, બાલસાહિત્ય, નર્મદ તથા સદીનું સરવૈયું તેમજ નારીવાદ અને આઠમા-નવમા અને દસમા દાયકાની સાહિત્યિક ગતિવિધિને તે દરમ્યાન પ્રકાશિત પ્રમુખ – સાહિત્યસ્વરૂપોમાંનાં નોંધપાત્ર પુસ્તકોની સમીક્ષા દ્વારા મૂલવતા વિશેષાંકોનું પ્રકાશન તેમજ ‘ઉમાશંકર જોશીઃ કાવ્યાસ્વાદ વિશેષાંક’, ‘પ્રહ્લાદ પારેખઃ કાવ્યાસ્વાદ વિશેષાંક’, ‘ગુજરાતી દીર્ઘકાવ્ય વિશેષાંક’, ‘કરુણપ્રશસ્તિ વિશેષાંક’, ‘મૃતનો અમૃતયોગ વિશેષાંક’, ‘લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક’, ‘કાન્તઃ પર્યાવલોકન વિશેષાંક’, ‘નિરંજન ભગત વિશેષાંક’ જેવા વિશેષાંકો ‘પરબ’નું નોંધપાત્ર પ્રદાન છે. ર.ર.દ., ઇ.કુ.