ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પર્યાય
પર્યાય : એક જ વસ્તુ ક્રમાનુસાર અનેકમાં રહેલી હોય કે મૂકવામાં આવે તે પર્યાય અલંકાર કહેવાય. જેમકે “કાલકૂટ (વિષ) પહેલાં સાગરને આશ્રયે હતું પછી શિવના કંઠમાં આવ્યું અને અંતે તેનો વાસ દુર્જનની વાણીમાં થયો.” વિષના આશ્રયોનું આ પરિવર્તન સ્વત : જ થયું છે તેથી પર્યાયનો આ પહેલો પ્રકાર છે. આ જ પ્રમાણે અનેક પદાર્થો ક્રમશ : એક જ પદાર્થમાં હોય કે મૂકવામાં આવે તો પર્યાયનો બીજો પ્રકાર થાય.
જ.દ.