ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રવીણસાગર
પ્રવીણસાગર : ૧૭૮૨માં રાજકોટના રાજવી મહેરામણજી દ્વારા હિન્દી ભાષામાં રચાયેલો મધ્યયુગનો જ્ઞાનભંડાર સમો કાવ્યગ્રન્થ. એની ૮૪ લહેરોમાં નવરસ, પ્રેમનિરૂપણ, સામૂહિક ચર્ચા, અશ્વપરીક્ષણ, વિહારવર્ણન સંગીતભેદ, નાયિકાભેદ, ઋતુવર્ણન, અલંકાર, ચિત્રપ્રબંધ વગેરે અનેકવિધ જ્ઞાનવિષયો આવરી લેવાયા છે જેમાં પ્રવીણ અને સાગરની પ્રેમકથા તંતુ રૂપે પસાર થાય છે. કચ્છ-કાઠિયાવાડ-ગુજરાતના ભાટ-ચારણોમાં આ કથા પ્રચલિત છે. શબ્દાલંકાર તેમજ કાવ્યકારીગરીથી ક્લિષ્ટ અને કચ્છી-કાઠિયાવાડી ભાષાના પ્રાંતિક શબ્દોથી મિશ્રિત વ્રજભાષાના આ ગ્રન્થને ગુજરાતીમાં ઉતારવાનું કાર્ય રણમલ બારોટે ૪૮ લહેરો સુધી કરી છોડી દીધેલું, જે પછીથી દલપતરામે પૂરું કરેલું, એટલું જ નહિ પણ આ ગ્રન્થની લુપ્ત ૧૨ લહેરોને દલપતરામે જાતે રચેલી છે.
ચં.ટો.