ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રશિષ્ટતાવાદ
પ્રશિષ્ટતાવાદ (classicism) : યુરોપીય સાહિત્યવિવેચનમાં પ્રચલિત એક સાહિત્યિકવાદ. આ વાદ સાથે સંકળાયેલી ‘પ્રશિષ્ટ (classical) સંજ્ઞા માટે ગુજરાતીમાં અન્ય પર્યાયો જેવાકે અભિજાત, શિષ્ટમાન્ય, રૂપપ્રધાન, સંસ્કારશોભાન, સ્વસ્થ, રૂપદર્શી, શિષ્ટાચારી સૌષ્ઠવપ્રિય ઇત્યાદિ પ્રયોજાય છે. ‘સંસ્કારી સંયમ’ તરીકે પણ એનો ઉલ્લેખ થયો છે. યુરોપીય સાહિત્યવિવેચનમાં ‘પ્રશિષ્ટ’ સંજ્ઞા જુદેજુદે સમયે ભિન્નભિન્ન અર્થછાયાઓ સાથે વપરાતી રહી છે. એનો જન્મ ઈસ્વીસનની બીજી સદીમાં લેટિન ભાષામાં થયો. મુઠ્ઠીભર સુખી લોકો માટે સર્જન કરતા લેખકોને મોટા સમુદાય સુધી પહોંચતા સર્જકોથી જુદા પાડવા ‘scriptor classicus’ સંજ્ઞા પ્રયોજાઈ. મધ્યયુગમાં યુરોપના દેશોમાં શાળા-મહાશાળામાં વખતોવખત અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે નિયત થતી સાહિત્યકૃતિઓને પ્રશિષ્ટ કહેવામાં આવતી. સામાન્ય રીતે ગ્રીક-લેટિન કૃતિઓ પાઠ્યપુસ્તક તરીકે નિયત થતી, એટલે એ કૃતિઓ માટે પછી ‘પ્રશિષ્ટ’ સંજ્ઞા પછી રૂઢ થઈ. અભ્યાસક્રમમાં સારી ગુણવત્તાવાળી કૃતિઓ જ આવે, તેથી ‘પ્રશિષ્ટ’ સંજ્ઞાનો અર્થ થોડો વ્યાપક બન્યો ને ‘પ્રશિષ્ટ’ એટલે નમૂનારૂપ, શ્રેષ્ઠ, આદર્શ, અનુસરવા-યોગ્ય એમ સ્થિર થયો. આ અર્થ ઘણાં વર્ષો સુધી વ્યાપક રહ્યો. આજે પણ આ સંજ્ઞા આવા અર્થની વાહક તરીકે સાહિત્યવિવેચનમાં વપરાય છે. પ્રશિષ્ટતાવાદને ‘પ્રશિષ્ટ’ સંજ્ઞા સાથે સંકળાયેલી આ અર્થછાયાઓ સાથે સંબંધ છે. પ્રશિષ્ટતાવાદનાં મૂળ ગ્રીક કળા અને કળાચિંતનમાં જોવા મળે છે. તર્કથી જીવનનું સત્ય પામી શકાય છે એ ગ્રીકચિંતનનો મૂળભૂત ખ્યાલ હતો. કૃતિના આકારનો મહિમા તેથી ગ્રીક કળાચિંતનમાં છે. કૃતિનાં અંગોની સાભિપ્રાયતા, સપ્રમાણતા, સંવાદિતા ઇત્યાદિ કૃતિને સુરેખ ને બુદ્ધિગમ્ય બનાવે છે તેથી એના પ્રત્યેની સભાનતા ગ્રીક કળાસર્જનમાં જોવા મળે છે. પ્રશિષ્ટતાવાદનાં આવાં વલણો ગ્રીક કળા-સાહિત્યમાં જોવા મળે છે એ સાચું, પરંતુ એ પ્રશિષ્ટતાવાદ ગ્રીક પ્રજાની પોતાની, કળા ને સાહિત્ય તરફ જોવાની દૃષ્ટિમાંથી જન્મ્યો હતો. એના સિદ્ધાન્તો ગ્રીક કળાસર્જનની લાક્ષણિકતામાંથી જન્મ્યા હતા. પછીથી યુરોપીય સાહિત્યમાં જે પ્રશિષ્ટતાવાદ કે નવ્યપ્રશિષ્ટતાવાદ આવ્યો તે જુદી વિચારણસરણીનું ફળ હતો. પ્રશિષ્ટતાવાદ એક સમયસાપેક્ષ ઘટના તરીકે સોળમીથી અઢારમી સદી દરમ્યાન અસ્તિત્વમાં આવ્યો એનો ઉદ્ભવ થયો ઇટાલીમાં અને તેની પરાકાષ્ઠા આવી ફ્રાન્સમાં. ઇન્ગ્લેન્ડ અને જર્મનીમાં પણ એ પ્રભાવક બન્યો હતો. અલબત્ત, દરેક દેશમાં એનું સ્વરૂપ પરસ્પરથી કેટલુંક ભિન્ન હતું, પરંતુ કેટલાક મૂળભૂત ખ્યાલો સર્વત્ર સમાન હતા. આ સમયના સાહિત્યને નવ્યપ્રશિષ્ટતાવાદથી પણ ઓળખવામાં આવે છે. આ સમયના સર્જકો ગ્રીક સાહિત્ય અને વિશેષ ગ્રીક સાહિત્યવિવેચનથી પરિચિત થયા અને તેનાથી પ્રભાવિત થયા. એરિસ્ટોટલના ‘પોએટિક્સ’માં વ્યક્ત થયેલો ટ્રેજડીની ત્રિવિધ એકતાનો ખ્યાલ અને હૉરેસના ‘આર્સ પોએટિકા’માંનો ઔચિત્ય (decorum)નો ખ્યાલ એમણે નવ્યપ્રશિષ્ટતાવાદી સર્જકોને વિશેષ રૂપે પ્રભાવિત કર્યા. એટલે ગ્રીક સાહિત્યને તેમના કળાવિષયક વિચારોને ચુસ્તપણે અનુસરવાનું વલણ સર્જકોમાં જન્મ્યું. આ વલણે બીજાં વલણોને જન્મ આપ્યો. ભાવની ઉત્કટતાને વશ વર્તવાને બદલે પ્રાપ્ત સ્વરૂપ અને શૈલીમાં ભાવને નિયંત્રિત કરી ઢાળવો, આત્મલક્ષીને બદલે પરલક્ષી ભાવો ને વર્ગગત (type) પાત્રોને આલેખવાં, કલ્પના કરતાં તર્કથી પમાતા સત્યને વધારે મૂલ્યવાન ગણવું, અભિવ્યક્તિ સુરેખ ને વિશદ બનાવવી, બોલચાલની ભાષાને બદલે આલંકારિક ને વાગ્મિતાયુક્ત બોલચાલથી દૂર સરતી શૈલી પ્રયોજવી, અભિવ્યક્તિ સુરેખ ને વિશદ બનાવવી, જીવન સુવ્યવસ્થિતને સુનિયંત્રિત છે, જીવનનાં શુભતત્ત્વો પ્રત્યે શ્રદ્ધા, આનંદ આપતાં આપતાં ઉપદેશ આપવો એ પ્રશિષ્ટતાવાદનાં અન્ય વલણો જોવા મળે છે. ફ્રાન્સમાં કૉર્નિલ અને મોલિયર, ઇન્ગ્લેન્ડમાં એડીસન, એલકઝાંડર પોપ, બેન જ્હોન્સન ઇત્યાદિ પ્રશિષ્ટતાવાદના પ્રમુખ પુરસ્કર્તાઓ છે. અઢારમી સદીના મધ્યભાગથી પ્રશિષ્ટતાવાદી વલણ યુરોપીય સાહિત્યમાંથી ઓસરવા માંડ્યું, પરંતુ એક સાહિત્યિક વલણ તરીકે પ્રશિષ્ટતાવાદ કૌતુકવાદી વલણના વિરોધમાં સાહિત્યવિવેચનમાં પ્રચલિત રહ્યો. યુરોપના આધુનિકતાવાદી સર્જકોમાં કલ્પનવાદી (Imagist) કવિઓમાં અભિવ્યક્તિના સ્તરે પ્રશિષ્ટતાવાદી વિચારોનો પ્રભાવ જોઈ શકાય : ટી. એસ. એલિયટે તો પોતાને પ્રશિષ્ટતાના હિમાયતી ગણાવ્યા છે એ સૂચક છે. એક વલણ તરીકે પ્રશિષ્ટતાવાદને વ્યાપક રૂપે કૌતુકવાદી વલણની જેમ અન્ય ભાષાસાહિત્યના સર્જકોમાં જોઈ શકીએ. શૈલીદાસ્ય, નિષ્પ્રાણતા, પરંપરાનું કૃત્રિમ રૂપે અનુકરણ એ પ્રશિષ્ટતાવાદના અતિરેકમાંથી જન્મતી મર્યાદાઓ છે. જ.ગા.