ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ફ/ફાર્બસ ગુજરાતીસભા ત્રૈમાસિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ફાર્બસ ગુજરાતીસભા ત્રૈમાસિક : ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ તેમજ સાહિત્યનાં સંશોધન, વિવેચન, વિશદીકરણ અને પ્રકાશનનાં કામ કરવાની નેમ સાથે ફાર્બસ ગુજરાતી સભા દ્વારા, અંબાલાલ બુલાખીરામ જાનીના સંપાદનમાં ૧૯૩૬માં મુંબઈથી પ્રસિદ્ધ થતું મુખપત્ર. એના વિદ્વાન સંપાદકોમાં બિપિન ઝવેરી, શંકરપ્રસાદ છ. રાવલ, ભૂપેન્દ્ર બી. ત્રિવેદી, પ્રવીણચન્દ્ર રૂપારેલ નામ ઉલ્લેખનીય છે. ૧૯૬૧થી ૨૦૦૬ સુધી મંજુબહેન ઝવેરીએ સફળતાપૂર્વક સંપાદન કર્યું. તેમનાં સંપાદકીય લખાણોએ આગવી છાપ ઉપસાવી હતી. ૨૦૦૬થી આ ત્રૈમાસિકના સંપાદક તરીકે સિતાંશુ યશશ્ચંદ્ર કાર્ય કરી રહ્યા છે. ૨૦૧૭થી તેમની સાથે હેમંત દવે જોડાયા છે. કૃતિ, કર્તા અને સાહિત્યસિદ્ધાન્તલક્ષી વિવેચન-લેખો ઉપરાંત ગુજરાતી ભાષાની ભગિની ભાષાઓના વિદ્વાનોએ આપેલાં મહત્ત્વનાં વ્યાખ્યાનોના અનુવાદ એમાં પ્રગટ થયા છે. સમાલોચના અને ગ્રન્થપરિચય તેમજ ‘આપણું-બીજા સામયિકોમાંથી’ શીર્ષક તળે સમકાલીન સામયિકોમાં પ્રસિદ્ધ થતી સાહિત્યિક સામગ્રીની સમીક્ષા અને વિચારસભર પત્રચર્ચા એ આ ત્રૈમાસિકની વિશેષતા રહી છે. ‘નરસિંહયુગના કવિઓ’, ‘અર્વાચીન ગુજરાતીનો આરંભકાળ’, ‘હિન્દના પ્રાચીન સિક્કા, ‘ઉછેર; કળા કે શાસ્ત્ર’? ‘ગુજરાતની સાંસ્કૃતિક સ્થિતિ’, ‘ગુજરાતની ભૂરચનાની ઉત્પત્તિ’ ‘ઇસ્લામી સમયના ગુજરાતનું વહાણવટું’, ‘કાન્હડદે પ્રબંધ’નું પાઠસંશોધન’, ‘ચિન્તનશીલ કવિતા’, ‘દૂધ-ખોરાક તરીકે’, ‘આધુનિક સમયમાં સંયુક્ત કુટુમ્બ વ્યવસ્થા’ અને ‘પુરાતત્ત્વની દૃષ્ટિએ ગુજરાતના પ્રાચીન ધર્મો’ જેવા લેખો ફાર્બસ ત્રૈમાસિકની સામગ્રીનો વિષયવ્યાપ સૂચવે છે. ર.ર.દ., ઇ.કુ.