ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહુતંત્ર સિદ્ધાન્ત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બહુતંત્ર સિદ્ધાન્ત (Polysystem theory) અને સાહિત્ય : રશિયન સ્વરૂપવાદ, ચેક સંરચનાવાદ, ફ્રેન્ચ સંરચનાવાદ, નવ્ય વિવેચન, અનુસંરચનાવાદ વિરચનવાદ – આ સર્વ ક્ષેત્રોમાં સમાજ અને ઇતિહાસથી વિચ્છેદિત કૃતિકેન્દ્રી બંધતંત્ર અથવા એકતંત્ર કેન્દ્રમાં રહ્યું. કૃતિ અને કૃતિના ઘટક અવયવો તેમજ એ ઘટક અવયવોના પરસ્પરના અને કેન્દ્ર સાથેના સંબંધો પ્રધાન રહ્યા. પરંતુ બંધતંત્રને ખોલવામાં અભિગ્રાહક સિદ્ધાંતથી માંડી બખ્તિનના સંવાદપરક પ્રતિભાના સિદ્ધાંત સુધીના અભિગમોએ ભાગ ભજવ્યો છે. તેમ ઈતાવાર ઈવન-ઝોહારેના બહુતંત્ર સિદ્ધાન્તનો અભિગમ પણ સક્રિય રહ્યો છે. ૧૯૬૯થી શરૂ થયેલાં એનાં લખાણોમાં સાહિત્યપ્રવૃત્તિને અલાયદી ન ગણી અન્ય માનવપ્રવૃત્તિઓની વચ્ચે મૂકવાનો અને ગતિશીલ પ્રકાર્યાત્યકતા (Dynamic functionalism) દ્વારા એને સમજાવવાનો ઉદ્યમ જોઈ શકાય છે. રરશિયન સ્વરૂપવાદના તિન્યાનોવ વગેરેના પ્રદાનોનું ઝોહોરે પોતાના સિદ્ધાન્તમાં આકલન કર્યું. છે. તિન્યાનોવે શ્કલોવ્સ્કીના અપરિચિતીકરણના અતંત્ર વિચારોને તંત્રમાં ગોઠવ્યા, એટલું જ નહીં એ વિચારોને ઇતિહાસપરક ઘટકોમાં સમાવી ભૂત અને ભવિષ્યને સંકલિત કરી, સાહિત્યપરિવર્તનના તંત્રને રચ્યું. અને સમયના ભિન્ન ભિન્ન તબક્કાઓ, સામાજિક અભિવ્યક્તિઓના ભિન્ન ભિન્ન સ્તરો તેમજ ભિન્ન ભિન્ન શૈલીઓના પરસ્પરના સંબંધોના સિદ્ધાન્તને વિકસાવ્યો. તિન્યાનોવે સાહિત્યઇતિહાસને સાહિત્યઉત્ક્રાંતિમાં રૂપાન્તરિત કર્યો. આ ફલિતાર્થોને અનુસરીને ઝોહારે બહુતંત્ર સિદ્ધાન્તની રચના કરી. આ સિદ્ધાન્ત સાહિત્યનાં વિવિધ પાસાંઓને અને સાંસ્કૃતિક બહુતંત્રોને પોતાનામાં સમાવીને ચાલે છે. સોસ્યૂરનાં લખાણોમાં સંબંધોની સ્થિર જાળની કલ્પના કરવામાં આવેલી. પરિવર્તન અને પ્રચલનોને એમાં અવકાશ નથી. એમાં કાલાનુક્રમિકતાનું ઘટક બાદ કરવામાં આવ્યું છે. વાસ્તવિકતા એ છે કે કોઈપણ ક્ષણે સમકાલિક ધરી પર એકાધિક અનુકાલિક તત્ત્વો કામ કરતાં હોય છે એટલેકે તંત્રમાં સમકાલિકતા અને અનુકાલિકતા બંનેનો સમાવેશ જરૂરી છે. આથી એમાં સંરચિતતાની વધુ સંકુલતા સંકળાયેલી છે. બહુતંત્ર ખુલ્લું હોવાથી વિવિધ તંત્રઘટકો અને ઘટકતંત્રોના આકલનને શક્ય બનાવે છે. આનો અર્થ એ થયો કે માનક ભાષાને અ-માનક ભાષાની વિવિધતાઓના સંદર્ભમાં મૂકવી પડે; બાળસાહિત્યને પ્રૌઢ સાહિત્ય સાથે સંકલિત કરવું પડે; અનુવાદિત સાહિત્ય મૌલિક સાહિત્યથી વિયુક્ત ન જોવાય. રોમાંચકથાઓ (Thrillers) ઊર્મિમાંદ્ય નવલો (sentimental novels) જેવી સાહિત્યનીપજોને અસાહિત્યિક કહી બાતલ નહીં કરી શકાય. બહુતંત્રની અભિધારણા સ્વીકાર્યા પછી સાહિત્યના બહુતંત્રનો ઇતિહાસપરક અભ્યાસ કેવળ ‘પ્રશિષ્ટ’ કૃતિઓ પરત્વે મર્યાદિત રહે એ પણ સ્વીકારી ન શકાય. વળી આ તંત્રોની ઉચ્ચાવચતા અભિકેન્દ્ર અને અપકેન્દ્રી ગતિબળને કારણે સતત પરિવર્તનશીલ છે. બહુતંત્રમાં સાહિત્ય અંતર્ગત સંબંધોને જે લાગુ પડે છે તે જ સાહિત્યના અન્ય તંત્રો સાથેના આંતરસંબંધોને પણ લાગુ પડે છે. સાહિત્ય ભાષા, સમાજ, અર્થકારણ, રાજકારણ, વિચારધારા વગેરે સાથે પણ સંબંધિત છે. વળી, સહતંત્રોથી અલગ કરતી સીમાઓ તો સતત બદલાતી રહેતી હોય છે. સાથે સાથે તંત્રો પોતે પણ બદલાતાં રહેતાં હોય છે. કોઈપણ ચોક્કસ સાહિત્ય અન્ય સાહિત્ય દ્વારા જ્યારે અંતરક્ષેપિત (Interfered) થાય છે અને પરિણામે એના ગુણધર્મો એક બહુતંત્રથી અન્ય બહુતંત્રમાં સંક્રમિત થાય છે, એ અંગેની વિશિષ્ટ પરિસ્થિતિઓ સાથે કામ પાડવાનું બહુતંત્ર માટે શક્ય છે. ઝાહોરે સાહિત્યિક બહુતંત્ર વચ્ચે અનુવાદિત સાહિત્યનું સ્થાન અને ખાસ તો સાહિત્યિક અંતરક્ષેપ(Literary Interference)ને સમજાવવા પણ પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં, બહુતંત્રનો સિદ્ધાન્ત, સાહિત્યના તંત્રને તપાસવામાં અનેક તંત્રો અને એના ઘટકો સાથે સમાકલિત થઈ. અનેક દિશાઓમાંથી સાહિત્યને સંવેદવાની એક બહુપરિમાણી તક ઊભી કરે છે. ચં.ટો.