ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહુસ્વન નવલકથા
બહુસ્વન નવલકથા(Polyphonic novel) : મિખાઈલ બખ્તિનનું મહત્ત્વનું પ્રદાન ભાષાના સંવાદપરક પરિમાણની શોધ અંગેનું છે. સાહિત્ય, નીતિ, રાજકારણ, કાયદો અને મનના વિચારોમાં એક મુદ્દો નોંધવા જેવો છે કે આપણે આપણા પોતાના શબ્દો કરતાં અન્યના શબ્દો સાથે વધુ મથીએ છીએ. કાં તો આપણે કોઈના શબ્દો યાદ કરીએ છીએ અને એના પર પ્રતિક્રિયા કરીએ છીએ; કાં તો દલીલ કે બચાવ કે મતભેદ માટે અન્યના શબ્દોને રજૂ કરીએ છીએ. એટલેકે અન્યના શબ્દોને અનુલક્ષીને મનમાં સંવાદ રચતાં હોઈએ છીએ. આ દરેક કિસ્સામાં કોઈકની વાણી આપણી વાણીના સંસર્જનને શક્ય બનાવે છે; અને ભાષાની સર્જનશક્તિમાં અનિવાર્ય કારણરૂપ બને છે. ભાષાના આ સંવાદપરક અને સમાજિક સંદર્ભપરક પરિમાણને લક્ષમાં રાખી બખ્તિને દોસ્તોયેવ્સ્કીની નવલકથાના સંદર્ભમાં બહુસ્વન નવલકથાનો સિદ્ધાન્ત આપ્યો છે. એક-સ્વન નવલકથામાં લેખકનો અવાજ જ પ્રભુત્વ ધરાવતો હોય છે અને પાત્રોના અવાજની પરસ્પરની પ્રતિક્રિયાઓને અત્યંત ગૌણ કરી એ સાર્વત્રિક બની છાઈ જતો હોય છે. લેખકના અવાજના આધિપત્ય હેઠળ જ અન્ય અવાજોને એમાં સ્થાન હોય છે. પરંતુ બહુસ્વન નવલકથામાં અન્ય અવાજો પોતાની રીતે પ્રગટે છે. પોતે સ્વતંત્ર દરજ્જો હાંસલ કરે છે; અને લેખકના અવાજને તાબે થયા વગર એની સાથે સંભાષણમાં ઊતરે છે. ચં.ટો.