ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બાળગીત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બાળગીત : બાળગીત એટલે બાળકો વિશે લખાયેલું ગીત નહિ પણ બાળકો માટે લખાયેલું ગીત. બાળકો માટે લખાયેલા ગીતનો જો બાળકો આસ્વાદ ન કરી શકે તો એવી કૃતિ ગીત તરીકે ઉત્તમ હોઈ પણ શકે, પરંતુ તેને બાળગીત નહિ કહી શકાય. બાળગીતમાં બાળકને સ્પર્શી શકે એવાં તત્ત્વો હોવાં જરૂરી છે. બાળગીતનો વિષય બાળક જ હોય તે જરૂરી નથી પણ બાળગીતમાં બાલસૃષ્ટિનું – બાળકના ભાવજગતનું અને એના પર્યાવરણનું આલેખન તો અવશ્ય હોવું જોઈએ. બાળકોની સૃષ્ટિ મોટેરાંઓની દુનિયા કરતાં તદ્દન જુદી હોય છે. બાળક કુટુંબ, શેરી, શાળા વગેરે સાથે ભાવાત્મક રીતે જોડાયેલું હોય છે એ જ રીતે નદી, દરિયો, પશુ, પક્ષી, ઝાડ, પાંદડાં, ફળ, ફૂલ વગેરે સાથે પણ ભાવાત્મક રીતે જોડાયેલું હોય છે. ટૂંકમાં, બાલસૃષ્ટિ એક રીતે ભાવસૃષ્ટિ હોય છે. બાળકો જેવી કુતૂહલ અને જિજ્ઞાસાદૃષ્ટિથી સૃષ્ટિના પદાર્થોને જુએ છે તેવી દૃષ્ટિ મોટેરાંઓ પાસે હોતી નથી. બાળગીતના સર્જનમાં વિષય, ભાષા, શૈલી, લયતાલ, ગેયતા, અભિનયતાને કારણે કોઈ ગીતને બાળગીતની છાપ મળે છે. બાળગીતની ભાષા સાદી અને સરળ, બાળકો સમજી શકે તેવી હોવી જોઈએ. બાળકોને પ્રાસવાળા શબ્દો બહુ ગમે છે. બાળકોને ભાષાજ્ઞાન કરાવવાની દૃષ્ટિએ બાળગીત ઉપયોગી હોય છે પણ એ માટે રચાયેલું ગીત પણ કાવ્યગુણે ઉત્તમ હોવું જોઈએ, તો જ બાળકોને એમાં રસ પડે. બાળકો માટે શબ્દો રમકડાંની જેમ હોય છે. તેઓ શબ્દો પ્રત્યે આકર્ષિત થઈ તેમનું ઉચ્ચારણ કરે છે અને એ રીતે તેમાંથી રમતની જેમ આનંદ મેળવે છે. બાળગીતમાં મૂકવામાં આવેલા શબ્દોનો કોઈ નિશ્ચિત અર્થ ન હોય તોપણ તેમની રમતમાં કોઈ ફેર પડતો નથી. બાળગીતમાં વિષયનું મહત્ત્વ પણ ઓછું નથી. બાળકના અનુભવજગતને સ્પર્શતો હોય તેવો વિષય હોવો જોઈએ. બાલમાનસની પહોંચમાં હોય એવી સૃષ્ટિને બાળગીતમાં વિશેષ સ્થાન હોય છે. તેથી બાળગીતના વિષયની પસંદગી કરતી વખતે બાળકોની આસપાસની દુનિયા, તેમની લાગણીઓ, પસંદગીઓ તથા કલ્પનાશક્તિનું ધ્યાન રાખવું જોઈએ. બાળકો સંગીતને શાસ્ત્ર તરીકે ભલે ન જાણતાં હોય તો પણ તેઓ લય-તાલ અને સૂરનો આનંદ માણી શકે છે. તેમને ગીત વાંચવામાં આનંદ મળતો નથી. ગીત ગેય હોય છે, તેમાં ગેયતા અનિવાર્ય છે, તેથી તેને ગાવામાં અથવા ગવાતું સાંભળવામાં જ આનંદ આવે છે. ગેયતાના કારણે ગીત બાળકોને જલદી યાદ રહી જાય છે. બાળગીતના સર્જનમાં ગેયતા એક અગત્યનું તત્ત્વ છે. ગેયતાની સાથે અભિનેયતાનો ગુણ હશે તો તેમાંથી બાળકોને વધારે આનંદ આવશે. બાળગીતની રજૂઆત તથા શૈલી પણ ધ્યાન માગી લે છે. બાળકોને એ ડોલાવે તથા ગુંજતું કરી દે તેવી તેની રજૂઆત હોવી જોઈએ. એ માટે સીધીસરળ રજૂઆત વધુ અપેક્ષિત છે. રજૂઆત કૃત્રિમ ન લાગવી જોઈએ. આકારની દૃષ્ટિએ પણ બાળગીત લાંબું ન હોવું જોઈએ. બાળગીત બાળક જેવું નાજુક અને બાળક જેવું કોમળ હોવું જોઈએ. હું.બ.