ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બુદ્ધચરિત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બુદ્ધચરિત : અશ્વઘોષ(પહેલી સદી)નું બુદ્ધના જીવન પર આધારિત મહાકાવ્ય. ચીની-તિબેટી અનુવાદમાં એના ૨૮ સર્ગો છે. જ્યારે સંસ્કૃતમાં અશ્વઘોષના ૧૩ અને અમૃતાનંદે ઉમેરેલા ૪-એમ કુલ ૧૭ સર્ગો ઉપલબ્ધ છે. શુદ્ધોધન અને માયાદેવીનું વર્ણન, ગૌતમનો જન્મ, ભવિષ્યવાણી, ઉપભોગોમાં ઉછેર, કુમારની વનવિહારની ઇચ્છા, દુઃખદર્શન, શુદ્ધોધનના પ્રયત્નો, ગૃહત્યાગ, ગૌતમનું અરાડ મુનિ પ્રતિ પ્રયાણ, અંત :પુરની સ્ત્રીઓનો વિલાપ, બિંબિસારની સમજાવટ, ગૌતમનો મારવિજય, બુદ્ધત્ત્વની પ્રાપ્તિ. વગેરેમાં વિસ્તરેલું એનું કથાવસ્તુ છે. પરંતુ કેટલાક સર્ગોમાં શુષ્ક-ધર્મોપદેશ છે. દુઃખદર્શન, અંત :પુરની સ્ત્રીઓનો વિલાપ, નગર સ્ત્રીઓની કુમારને જોવાની ઉત્કંઠા વગેરેમાં દેખાતું કાવ્યતત્ત્વ પછીના સર્ગોમાં ઓસરતું ગયું છે. શરૂઆતના સર્ગોમાં પ્રાસાદિકતા અને માનવ-સંવેદનોની કુમાશ છે. સ્વાભાવિક અનાયાસ આવતા અલંકારો તેમજ ઉપદેશ, ભક્તિ અને શ્રદ્ધાનો સંગમ છે તો ખરો પરંતુ એકંદરે મહાકાવ્ય માટે જરૂરી ભવ્યપ્રતિભાની ઊણપ વર્તાયા કરે છે. અને સાંપ્રદાયિક-મુદ્દાને લીધે શુદ્ધ સાહિત્યિક તત્ત્વોને પૂરતો અવકાશ સાંપડતો નથી, એવી પ્રતીતિ રહ્યા કરે છે. ભાષા ને રસની માવજતમાં કુશળતાની ક્યાંક ખોટ ચાલે છે. અકૃત્રિમ વર્ણનોને લીધે કેટલાંક આકર્ષક અંગો ઊપસી આવ્યાં છે, પરંતુ અપરિષ્કૃત વૈદર્ભીમાં વરતાતું ખરબચડાપણું કઠે છે. પ્રાચીન કવિનું બુદ્ધના જીવન પરનું આ દસ્તાવેજી કાવ્ય ધર્મોપદેશના હેતુને સિદ્ધ કરતું, માનવજીવનની ક્ષણિકતાનું ગાન કરતું અને ધર્મ-મોક્ષ પુરુષાર્થોને સ્થાપતું શાંતરસનું કાવ્ય છે. હ.મા.