ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બુદ્ધિપ્રકાશ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બુદ્ધિપ્રકાશ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ૧૮૫૦માં અમદાવાદથી પ્રગટ કરેલું માસિક મુખપત્ર. વચ્ચે દોઢેક વર્ષ બંધ રહ્યા પછી પ્રિન્સિપાલ ટી.બી.કાર્ટિસના માર્ગદર્શન તળે અમદાવાદની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ૧૮૫૪માં પુન : પ્રકાશન. ૧૮૫૫માં કિન્લોક ફાબર્સની, સંપાદનસેવા આપવા અંગેની વિનંતીનો દલપતરામ દ્વારા સ્વીકાર, આરંભથી આજ સુધીની લગભગ દોઢ સો વર્ષની લાંબી કારકિર્દી દરમ્યાન માસિક-ત્રૈમાસિક રૂપે પ્રગટતા રહેલા આ સામયિકની સંપાદનની જવાબદારી દલપતરામ ઉપરાંત હીરાલાલ ત્રિ. પારેખ, રસિકલાલ છો. પરીખ, ઉમાશંકર જોશી, કેશવરામ કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, યશવન્ત શુક્લ, નગીનદાસ પારેખ, હરિપ્રસાદ શાસ્ત્રી અને મધુસૂદન પારેખ, રમેશ શાહ જેવા વિદ્વાનોએ સંભાળી છે. મે-૨૦૨૧થી તંત્રી તરીકે કુમારપાળ દેસાઈએ અને સંપાદકો તરીકે રાજેન્દ્ર પટેલ અને સુભાષ બ્રહ્મભટ્ટે જવાબદારી સ્વીકારી છે. સંસાર સુધારાના માળી ગણાયેલા દલપતરામે, અજ્ઞાનના અંધકારમાં અડવડતી ગુજરાતી પ્રજાના જડતા-તિમિરને ટાળવા ‘બુદ્ધિપ્રકાશ’ દ્વારા એમના જીવનનાં ઉત્તમ ચોવીસ વર્ષો લગી અવિરત પુરુષાર્થ કરીને પોતાની સાહિત્યસાધનાને ‘બુદ્ધિપ્રકાશ’નો પર્યાય બનાવી દીધી હતી. દલપતરામે આરંભથી જ આ સામયિકને સાહિત્ય પૂરતું મર્યાદિત ન રાખતાં તેમાં કેળવણી, ધર્મ, તત્ત્વજ્ઞાન, પ્રાણીસૃષ્ટિ, ઇતિહાસ, પુરાતત્ત્વ, વનસ્પતિવિદ્યા, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને રાજનીતિ જેવા જીવનલક્ષી જ્ઞાનવિષયોની સામગ્રી આમેજ કરી છે. ‘મુગ્ધાવબોધ ઔક્તિક’, ‘ઉત્તમ શિક્ષાગુરુ સ્વાશ્રયી ગાર્ફિલ્ડ’, ‘એક પુનર્વિવાહની કહાણીનું અવલોકન,’ ‘મહાભારત રચાયાના કાળ વિશે,’ ‘શ્રીમાલ-ભિન્નમાલ, તેની હાલની સ્થિતિ વિશે હકીકતો’, ‘ભારતની પ્રાચીન કૃષિવિદ્યા’ ‘સ્ત્રી શિક્ષણનું મહત્ત્વ’, ‘જ્ઞાતિબંધન કયે રસ્તે તોડી શકાય?’ જેવા લેખો દ્વારા તેમજ હીરાલાલ પારેખ સ્મારક, રસિકલાલ પરીખ સ્મૃતિ, નરસિંહરાવ સવાશતાબ્દી, ઉમાશંકર જોશી શ્રદ્ધાંજલિ અને ગણેશ માવળંકર જન્મ શતાબ્દી જેવાં નિમિત્તોએ પ્રગટ થયેલા વિશેષાંકો ‘બુદ્ધિપ્રકાશ’ની સાહિત્ય-સેવાનાં નિદર્શનો છે. ર.ર.દ.