ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભયાનકરસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભયાનકરસ : આનો સ્થાયી ભાવ ભય છે. વિકૃત અવાજો, પિશાચપ્રેતનું દર્શન, શિયાળ અને ઘુવડની હાજરી, ત્રાસ તેમજ ઉદ્વેગ, શૂન્ય ઘર અને જંગલ, સ્વજનોનો વધ વગેરે આ રસના વિભાવો છે. આનો વ્યભિચારી કે સંચારીભાવ છે સ્તંભ, સ્વેદ, ગદ્ગદ થવું, રોમાંચ, વેપથુ, સ્વરભેદ, વૈવર્ણ્ય, શંકા, મોહ, દૈન્ય, આવેગ, ચપળતા, જડતા, ત્રાસ, અપસ્માર, અને મરણ. ભયાનક રસના અનુભાવ છે હાથપગનું ધ્રૂજવું, નેત્રો ચકળવકળ થવાં, રોમાંચ, મુખવૈવર્ણ્ય, સ્વરપરિવર્તન વગેરે જેનાથી ભયની ઉત્પત્તિ થતી હોય છે તે ભયાનક રસનું આલંબન હોય છે. સ્ત્રી અને પુરુષ આનાં આશ્રય છે. ભયાનક રસ શ્યામવર્ણી હોય છે અને દેવતા કાલ છે. ભયાનકનું સ્વનિષ્ઠ અને પરનિષ્ઠ રૂપમાં વિભાજન કરવામાં આવ્યું છે. જો અપરાધ સ્વનિષ્ઠ હોય તો, સ્વનિષ્ઠ ભયાનક અને અન્ય જનોની ક્રૂરતા વગેરેને કારણે ઉત્પન્ન હોય તો પરનિષ્ઠ ભયાનક. વિ.પં.