ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભોજેવિદ્યાભવન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભો(ળાભાઈ) જે(શિંગભાઈ) વિદ્યાભવન : આનંદશંકર ધ્રુવે ૧૯૩૮માં ગુજરાત વિદ્યાસભાની શૈક્ષણિક તેમજ સંશોધનમૂલક પ્રવૃત્તિઓના વિકાસ અને પ્રસાર માટે અનુસ્નાતક અભ્યાસ અને સાહિત્યિક સંશોધન-સંપાદનકાર્ય માટે મુંબઈ યુનિવર્સિટીની માન્યતા મેળવીને એક વિભાગ શરૂ કરેલો. ૧૯૪૬માં એ વિભાગ શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવનના નવા નામે કામ કરતો થાય છે તથા ૧૯૫૦માં નવી સ્થપાયેલી ગુજરાત યુનિવર્સિટીની માન્યતા મેળવી વિકસેવિસ્તરે છે. વિદ્યાભવનમાં ભારતીય સંસ્કૃતિ વિષયમાં અનુસ્નાતક શિક્ષણ તથા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ દ્વારા થતાં સંશોધનની દીર્ઘ પરંપરા રહી છે. શિક્ષણ અને સંશોધનકાર્ય ઉપરાંત ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિવિષયક વ્યાખ્યાનમાળાઓ યોજતું વિદ્યાભવન વિવિધ માનવવિદ્યાઓ સંબંધિત સંશોધનમૂલક ગ્રન્થોનું તેમજ ‘સામીપ્ય’ નામના ત્રૈમાસિક મુખપત્રનું પ્રકાશન પણ કરે છે. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ એ વિદ્યાભવનનું ગૌરવપ્રદ પ્રકાશન છે. ર.ર.દ.