ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભૌતિકવાદ
ભૌતિકવાદ(Materialism) : તત્ત્વવિચાર ક્ષેત્રે આ સિદ્ધાન્ત ભૌતિક જરૂરિયાતો અને પદાર્થો પર ધ્યાન આપે છે અને આંતરિક મૂલ્યોને નકારી એની ઉપેક્ષા કરે છે અથવા એને ગૌણ ગણે છે. સામાજિક મૂલ્યો અને આદર્શોની અપેક્ષાએ ભૌતિક ઇચ્છાઓ અને ઇન્દ્રિયવિષયક તૃપ્તિને જીવનનું પ્રમુખ લક્ષ્ય ગણે છે. આ વાદ બાહ્યજગતની સ્વતંત્ર સત્તાનો સ્વીકાર કરે છે; બાહ્ય જગતને ચેતન અને અચેતન દ્રવ્યોનું બનેલું માને છે અને મનુષ્યની ચેતનાને પણ ભૌતિક દ્રવ્યોનું પરિણામ સમજે છે. ત્યાં સુધી કે માનવમસ્તિષ્કને પણ પદાર્થ ગણે છે. ટૂંકમાં, આદર્શવાદ વિરુદ્ધનો આ સિદ્ધાન્ત પદાર્થ અને પદાર્થોની ગતિ દ્વારા જગતના બંધારણને સમજાવવા મથે છે. ભારતમાં ચાર્વાકદર્શન ભૌતિકવાદી હતું. સાહિત્યક્ષેત્રે આ વાદે વાસ્તવવાદને બળ આપ્યું.
ચં.ટો.