ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહિના
મહિના : ઋતુકાવ્યનો વિશેષ પ્રકાર. આ પ્રકારમાં પ્રત્યેક મહિને થતા ઋતુના ફેરફારો વર્ણવવામાં અને વિરહિણીની વિરહવેદનાની ઉત્તરોત્તર વધતી જતી તીવ્રતા કે ઉત્કટતા આલેખવામાં આવતી. આમ પ્રકૃતિતત્ત્વોનો ઉદ્વીપન વિભાવ તરીકે વિનિયોગ થતો, સાથેસાથે સમાજજીવનની રહેણીકરણીમાં માસે માસે જે ફેરફાર થતા તે પણ એમાં આલેખવામાં આવતા. બહુધા કૃષ્ણ સંબંધી હોવાથી એને ધાર્મિક સ્વરૂપ પણ મળ્યું. માટે ભાગે વર્ણનો બંધાયેલી રૂઢ પરંપરા પ્રમાણે હોય છે. ‘મહિના’નો પ્રારંભ કારતકથી, ચૈત્રથી કે આષાઢથી થતો. જૈન કવિઓએ પણ ‘મહિના’ની રચના કરી છે. વિનય ચંદ્રસૂરિકૃત ‘નેમિનાથ ચતુષ્પદિકા’(૧૨૪૪), પ્રાચીન જૈન ‘મહિના’ કાવ્ય છે. જૈનતર કવિઓમાં નરસિંહ, પ્રેમાનંદ, રત્નેશ્વર, રત્નો, થોભણ, પ્રેમસખી, ગિરધર ને દયારામે રચેલ રાધાકૃષ્ણના ‘મહિના’ તથા વલ્લભભટ્ટના ‘અંબાજીના મહિના’ અને રાજેના ‘મહિના’ નોંધનીય છે. ક.શે.