ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મુદ્રારાક્ષસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મુદ્રારાક્ષસ : છઠ્ઠી/સાતમી સદીમાં વિશાખદત્ત દ્વારા રચાયેલું શિષ્ટ સંસ્કૃત નાટક. સિકંદરના આક્રમણ પછી ચાણાક્ય નંદવંશનો ઉચ્છેદ કરી ચંદ્રગુપ્ત મૌર્યને મગધસમ્રાટ સ્થાપે છે. પણ નંદવંશનો રાજનીતિકુશળ અમાત્ય રાક્ષસ સ્વામીનાશનો બદલો લેવા ચંદ્રગુપ્તની સત્તાનો સ્વીકાર કરતો નથી. પરંતુ ચાણાક્ય પોતાની કૂટ રાજનીતિથી રાક્ષસને ચંદ્રગુપ્તના પક્ષમાં ખેંચે છે અને રાક્ષસને ચંદ્રગુપ્તનો અમાન્ય બતાવે છે. આ નાટકના રાજકારણી ખટપટવાળા કથાવસ્તુમાં રાક્ષસની રાજમુદ્રા કેન્દ્રિય મહત્ત્વની છે. એક બાજુ મુદ્રાથી જ રાક્ષસના સ્વજનો-મિત્રોની ભાળ મળતાં રાક્ષસ પર દબાણ લાવવા તેનો ઉપયોગ કરાય છે, બીજી બાજુ એ જ મુદ્રાની સહાયથી રાક્ષસની રાજકીય સહાયનો નાશ કરાય છે. ગુપ્તચરોની જાળ, કાવાદાવા, પ્રતિપક્ષીને જેર કરવાની યોજનાઓ, સજ્જનો પર તવાઈ, આવા બધા પ્રસંગોની ગૂંથણીને કારણે નાટકનું વાતાવરણ કથાનકને અનુરૂપ અતિવિશિષ્ટ બન્યું છે; સ્ત્રીપાત્રોનો લગભગ અભાવ છે. કોમળ ભાવોને ક્યાંય સ્થાન નથી. દૂરગામી લોકદિત માટે જરૂરી રાજકીય કાર્ય કોઈપણ ઉપાયે સાધવાની નિર્મળ કુશળતા કૌટલ્યના પાત્રમાં પ્રગટે છે. નાટકકારની આ અપૂર્વ સિદ્ધિ છે. રા.ના.