ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મુશાયરો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મુશાયરો : મૂળ અરબી શબ્દ ‘મુશાયરહ’ અર્થાત્ જ્ઞાનીઓની સભા. આજના મુશાયરાનું સ્વરૂપ નિતાંત ભારતીય છે. પૂર્વે અરબસ્તાન ઈરાનમાં એ જોવા મળતું નથી. અંતિમ મોગલ શહેનશાહ બહાદુરશાહ ઝફર સ્વયં શાયર હતા. જૌક, મીર, ગાલિબ, મૌમિન, દાગ, જેવા કવિઓ દરબારી મુશાયરા શોભાવતા. કવિ પોતાના હાથમાં શમા રાખી બાકાયદા ગઝલ કહેતો. આમ મુશાયરાનું આજનું સ્વરૂપ બહાદુરશાહ ઝફરના સમયથી અસ્તિત્વમાં આવ્યું. મુશાયરાનું પોતાનું અલાયદું સ્વરૂપ છે. મુશાયરા બે પ્રકારના હોય છે : તરહી – પંક્તિ પર યોજાતા અને ગૈરતરહી – પંક્તિ વિનાના સ્વતંત્ર. કોઈને ત્યાં નશિસ્ત કવિઓની ખાનગી બેઠક પણ મળે. કવિઓ તહતુલ્લફઝ-લયપાઠ અને તરન્નુમ-સસ્વર પાઠ, એમ બે રીતે પોતાની ગઝલ રજૂ કરે. વિદ્વાન સાહિત્યકાર મુશાયરાના પ્રમુખપદે હોય, વાક્પટુ અને અસંખ્ય શેર જેને મોઢે હોય એવો કવિ સંચાલક હોય, શિરસ્તા પ્રમાણે સૌ પ્રથમ નવોદિત કવિ રજૂ થાય અને અંતે મૂર્ધન્ય-અનુભવી કવિ. મુશાયરાની સફળતા તેના સુજ્ઞ શ્રોતાઓને આભારી છે. કવિઓને પ્રોત્સાહિત કરવા ખાસ દાદ આપવાની પ્રથા છે. ગુજરાતીમાં પણ ઉર્દૂના અનુકરણમાં મુશાયરા શરૂ થયા. વીસમી સદીમાં અહીં મુશાયરાની પ્રવૃત્તિ વિકસી. ૧૯૩૦માં રાંદેરમાં ‘મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળ’ની સ્થાપના થઈ. તથા ત્યાં સૌપ્રથમ મુશાયરો યોજાયો. આ પછી ૧૯૩૦થી ૩૩ના ગાળામાં સાત મુશાયરા યોજાયા હતા. ત્યારપછી ૧૯૪૩માં સુરતમાં ‘મહાગુજરાત ગઝલ મંડળ’ સ્થપાયું. શયદા, સગીર, નસીમ, બેકાર, સીરતી, અમીન આઝાદ, ઘાયલ, શૂન્ય, રતિલાલ અનિલ જેવા કવિઓ મુશાયરાપ્રવૃત્તિમાં જોડાયા. અમદાવાદમાં ‘ગુજરાતી ગઝલમંડળ’ જમિયત પંડ્યાના નેજા હેઠળ મુશાયરામાં પ્રવૃત્ત થયું. મુશાયરા મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવાં મહાનગરો ઉપરાંત ગુજરાતના તળગામડાં સુધી પહોચ્યા. હવે ટી.વી., રેડિયો જેવાં દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોને કારણે મુશાયરા ખૂબ લોકપ્રિય થયા છે. ર.મી.