ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રંગભૂમિ અને સાહિત્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રંગભૂમિ અને સાહિત્ય : સાહિત્યસ્વરૂપોમાંનું એક સ્વરૂપ નાટક રંગભૂમિ સાથે અનિવાર્યપણે સંકળાયેલું છે. તેનો એક પગ સાહિત્યમાં અને બીજો રંગભૂમિ પર છે. એટલે ‘નાટક’ આ બે વચ્ચેનો એવો સીમાપારનો પ્રકાર છે જેમાં સાહિત્ય અને રંગભૂમિ પરસ્પર જોડાયેલાં છે. અન્ય સાહિત્યસ્વરૂપોથી ‘નાટક’ એ રીતે જ જુદું પડે છે કે તે અભિનયનલક્ષી છે. આથી તેનો શબ્દદેહ કેવળ તે જ સ્વરૂપે સ્વયંપૂર્ણ અને પાઠ્યક્ષમ હોય તથા ‘કાવ્ય’ તરીકે અન્યનિરપેક્ષ સ્વરૂપે આસ્વાદનીય હોય તો પણ. જો તેમાં એ કૃતિને અભિનેય સ્વરૂપે અન્ય પરિમાણમાં ઉઘાડી શકાય એવી ગર્ભિત ક્ષમતા ન હોય, અને એનું કથિતશબ્દ રૂપે જ વ્યક્ત થઈ ચૂક્યું હોય તો તે તેના સંવાદાત્મક અને દૃશ્યોમાં વહેંચાયેલા આકાર સિવાય તત્ત્વત : સાહિત્યનાં અન્ય કથાત્મક સ્વરૂપોથી જુદું પડતું નથી. નાટકમાં જો અભિનેયતા હોય તો પાઠ્ય રૂપે તે આસ્વાદનીય નીવડવા છતાં પ્રત્યક્ષ અભિનીત રૂપે તે અધિક અને કદાચ જુદી જ રીતે રસપ્રદ બની રહે છે. કારણકે નાટકની રચનામાં સ્થળ સ્થળે કેવળ અભિનય દ્વારા જ અભિવ્યક્તિ અપેક્ષિત હોવાથી ત્યાં ગાળા પડતા હોય છે. આ ગાળા અભિનીત સ્વરૂપમાં પુરાય છે એટલે મૂળ રચનામાં પૂર્તિ થાય છે. એ જ રીતે સંવાદભાષા પણ ‘વાંચવા’ નહીં પણ બોલવા-સાંભળવા રચાયેલી હોય છે. આથી વાંચવાને બદલે જ્યારે તે બોલાયેલી સંભળાય છે ત્યારે બોલાવાની રીત-લક્ષણ, કાકુઓ વગેરેથી યુક્ત વાચિક સ્વરૂપ ક્યારેક પાઠકને અણધાર્યો અનુભવ પણ કરાવે છે. ક્યારેક, આ કારણે, એકજ કૃતિ જુદે જુદે રૂપે પણ પ્રત્યક્ષ થાય છે. નાટકનું શાબ્દિક સ્વરૂપ અને તેનું અભિનીત સ્વરૂપ એ વચ્ચે ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર થતા પ્રકાશકિરણની જેમ, રંગકર્મીઓ દ્વારા થતા ‘વક્રીભવન’ અને અર્થઘટનની પ્રક્રિયા રહેલી હોય છે. નાટકમાં અંતર્હિત, એક અર્થમાં, વૈકલ્પિકતાનું આ પરિણામ છે. પાઠક વાંચતી વખતે એક જ વિકલ્પ મનમાં રાખીને વાંચે છે જ્યારે અભિનીત સ્વરૂપમાં તેણે ન ધાર્યા હોય એવા અન્ય વિકલ્પો પણ ઊઘડે છે. અલબત્ત, ઉત્તમ અને કુશલ નાટકકાર રચના જ એવી રીતે કરે છે. અભિનીત સ્વરૂપે પણ તેનો અભિપ્રેત અર્થ જ વ્યક્ત થાય છે. રંગકર્મીઓ મૂળથી બહુ દૂર જઈ શકતા નથી. તેમ છતાં તેમાંય અ-વ્યક્તની અભિવ્યક્તિ તો છે જ. ‘વક્રીભૂત’ કિરણ મૂળમાં અવ્યક્ત એવા અનેક રંગોમાં પ્રત્યક્ષ થાય છે. સાચું નાટક રંગભૂમિ પર જ પૂરું અવતરે છે. જે નાટ્યકૃતિમાં, તે પ્રત્યક્ષ રૂપે પ્રગટ થતાં આવી વિકસનની ક્ષમતા નથી તે સાચા સ્વરૂપમાં નાટક નથી, વાસ્તવમાં તો સાચા નાટકના વાચકે પણ તેને ‘ભજવાતું’ કલ્પીને જ વાંચવાનું હોય, નહીં તો તે તેનો યથાર્થ આસ્વાદ પામી જ ન શકે. આ અપેક્ષાને કારણે જ નાટકનું વાચન અઘરું, ને વાચકો ઓછા હોય છે. રંગભૂમિ એ બીજો છેડો છે. જેમ ભજવાય નહીં એવાં માત્ર વાંચવાનાં ‘નાટકો’ (!) પણ મળે છે તેમ વંચાય નહીં માત્ર ભજવાય એવાં નાટકો પણ મળે છે કેવળ અ-શબ્દ અભિનયનો પણ એક પ્રકાર છે, પણ આ બન્ને પેલી સંયુક્ત રેખાની સામી બાજુના છેડા છે. તેમાં પ્રત્યેક કેવળ પોતાપણું સ્થાપે છે પણ નાટકના ઉત્તમ આવિર્ભાવથી વંચિત રહે છે. નાટકનો ઉત્તમ આવિષ્કાર તો સાહિત્ય અને રંગભૂમિના સહયોગમાં જ છે. આવા સહયોગ માટે આવશ્યક એવાં તત્ત્વોના અભાવને કારણે જ આપણી કેટલીય સાહિત્યક્ષેત્રે સુપ્રતિષ્ઠિત નાટ્યકૃતિઓને તખ્તા પર આવકાર મળ્યો નથી. તો રંગભૂમિ પર શત નહીં – સહસ્રરાત્રિઓ ઊજવનાર લોકપ્રિય નાટકોને સાહિત્યમાં સ્વીકૃતિ સાંપડી નથી. કદાચ, તેમાંનાં મોટાભાગનાં મુદ્રિત જ નથી થયાં તેનું પણ એક કારણ હોઈ શકે – અને તે સાહિત્યગુણનો અભાવ. રરંગભૂમિ અને સાહિત્ય બન્ને જોડિયા કળાઓ છે, અને ઉત્તમ નાટ્યકૃતિ તો એ જ છે જે વાંચતાં અને જોતાં, ઉભવ સ્વરૂપે– સૉફોક્લિસ–શેક્સપિયર, ભાસ-કાલિદાસની કૃતિઓની જેમ, ભિન્ન ભિન્ન ભૂમિકાએ સંતર્પક નીવડે. વિ.અ.