ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રમેની/રમૈની/રવાનુકરણ/રવિભાણ સંપ્રદાય
રવિભાણ સંપ્રદાય : જ્ઞાનમાર્ગી ભક્તિધારાના મૂર્ધન્ય ભક્તકવિ કબીરના શિષ્ય જ્ઞાનીદાસ દ્વારા ગુજરાતમાં સ્થપાયેલા કબીરસંપ્રદાયની એક શાખા ‘રામકબીર’માંથી ઉદ્ભવેલો સત્સંગ પ્રધાન ભક્તિપ્રણાલિ ધરાવતો સંપ્રદાય. એકાંતિક ભક્તિસાધનાના વિકલ્પે સંસાર શું સરસા રહીને પ્રાપ્ત જીવનકર્મો કરતાં કરતાં હરિકીર્તન દ્વારા મોક્ષપ્રાપ્તિનો આદર્શ આ સંપ્રદાય ચીંધે છે. વર્ગ અને વર્ણભેદથી અળગા રહીને વ્યાપક લોકસંપ્રદાયને ભગવત્ભક્તિ માટે પ્રેરવાની નેમ ધરાવતા ભાણ, રવિ, ખીમ, ત્રિકમ, હોથી, મોરાર, ભીમ અને દાસી જીવણ જેવા વણિક, ચારણ, અંત્યજ અને મુસ્લિમ જેવા વિભિન્ન જાતિ-ધર્મની વાડાબંધીથી ઉપર ઊઠીને ભક્તિભાવે દેશાટન કરનારા સંતોની આ સંપ્રદાયમાં સુદીર્ઘ પરંપરા છે. કબીરને લાધેલું અધ્યાત્મદર્શન આ ભક્તકવિઓની રચનામાં તળપદ કાવ્યવાણીમાં સર્વસુલભ બન્યું છે. ર.ર.દ.