ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રશિયન સ્વરૂપવાદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રશિયન સ્વરૂપવાદ (Russian formalism) : ૧૯૧૫-૧૬નાં વર્ષો દરમ્યાન રશિયામાં જન્મેલો સાહિત્યિકવાદ. ‘મોસ્કો લિંગ્વિસ્ટિક સર્કલ’ના રોમન યાકોબ્સન અને પેત્ર બોગત્ર્યેવ તથા Opojaz (The society for the study of poetic Language)ના વિક્તર સ્કલૉવસ્કી, યુરિ તિન્યાનૉવ અને બોરીસ આયખનબૉમ વગેરે ભાષાવિદો આ વાદના પ્રણેતાઓ હતા. ૧૯૨૧-૨૨ સુધી આ વાદના વિચારો રશિયાના સાહિત્યજગતમાં પ્રભાવક રહ્યા, પરંતુ પછી માક્સવાદી સાહિત્યવિચારણાના ક્રમશ : વધેલા પ્રભાવ અને માક્સવાદી કાવ્યચિંતકોમાં આ વાદના વિચારો પ્રત્યે જન્મેલા સખત અણગમાને કારણે ૧૯૩૦ આસપાસ આ વાદના વિચારકો વિખેરાઈ ગયા અને એમના વિચારો પણ લાંબો વખત ઢંકાઈ ગયા. ૧૯૬૦ પછી આ વાદના વિચારો તરફ યુરોપીય સાહિત્યચિંતકોનું ધ્યાન ખેંચાયું. રશિયન સ્વરૂપવાદીઓ ફ્રેન્ચ ભાષાવિદ સૉશ્યૂરની ભાષાવિચારણાથી પરિચિત હોવાની સંભાવના છે પરંતુ એનાથી કેટલા પ્રભાવિત હશે એ કહેવું મુશ્કેલ છે. તેમના વિચારો મુખ્યત્વે રશિયન ભવિષ્યવાદી કવિતા અને એ કવિઓના કવિતાવિચારથી પ્રભાવિત થયેલા એ નિશ્ચિત છે. રશિયન સ્વરૂપવાદીઓની મુખ્ય નેમ સાહિત્ય-વિચારણાને સ્વાયત્ત બનાવી સાહિત્યનું વિજ્ઞાન ઊભું કરવાની હતી. તે વખતે થતું સાહિત્યવિવેચન તત્ત્વજ્ઞાન, સમાજવિદ્યા, મનોવિજ્ઞાન, ઇતિહાસ, સર્જકનું ચરિત્ર ઇત્યાદિનું સતત આલંબન લેતું અને સાહિત્યને સાહિત્યબાહ્ય સંદર્ભમાં તપાસતું. પરંતુ કોઈ કૃતિ સાહિત્યિક શા કારણથી બને છે એનો વિચાર બહુ ઓછો કરતું. રશિયન સ્વરૂપવાદીઓએ સાહિત્યવિચારને અન્ય સંદર્ભોથી કાપી કૃતિકેન્દ્રી બનાવ્યો. સાહિત્યકૃતિઓને જ્યારે અન્ય કૃતિઓથી જુદી પાડીએ છીએ ત્યારે એમાં કઈ વિશેષતા રહેલી છે જે કોઈપણ સાહિત્યકૃતિમાં સમાન રૂપે જોવા મળે એની તપાસ તરફ તેઓ વળ્યા. એટલે એમનું ધ્યાન સાહિત્ય કરતાં એમાં રહેલી ‘સાહિત્યિકતા’(literariness)ને સમજવા તરફ કેન્દ્રિત થયું. ‘સાહિત્યિકતા’ કૃતિમાં બે રીતે પ્રગટ થાય – ભાષાને અપરિચિત(defamiliarize) કરવાથી અને અન્ય સંરચનાગત પ્રયુક્તિઓથી. સાહિત્યની ભાષા વ્યવહારની ભાષાથી જુદી છે. વ્યવહારની ભાષાનો શબ્દ બાહ્ય વાસ્તવનો સંકેત કરે છે. સાહિત્યનો શબ્દ પોતાની તરફ સંકેત કરે છે કારણકે એને બાહ્ય વાસ્તવના પદાર્થને અપરિચિત કરવો છે. એકના એક ભાષાના રૂપથી બાહ્ય વાસ્તવના પદાર્થોના સંકેત યાંત્રિક અને રૂઢ બની જાય છે. સાહિત્યનો શબ્દ બાહ્ય વાસ્તવના પદાર્થને એ યાંત્રિકતામાં સરતો અટકાવે છે. એને નવા રૂપે પ્રગટ કરી આપણી રૂઢ બનેલી ચેતનાનું નવસંસ્કરણ કરે છે. એટલે કળાનું કે સાહિત્યનું કાર્ય વાસ્તવનું પ્રતિબિંબ પાડવાનું નથી. વાસ્તવને નવે રૂપે પ્રગટ કરવાનું છે. છંદ, અલંકાર, ઇત્યાદિ વ્યવહારની ભાષાને સાહિત્યક બનાવનાર ઘટકો છે. ભાષાની જેમ કથાસાહિત્યમાં રચનાગત પ્રયુક્તિઓ પણ બાહ્યવાસ્તવને અપરિચિત કરે છે. એ સંદર્ભમાં એમણે fabula અને Sjuzetના ખ્યાલો આપ્યા છે. કથામાં વાર્તા અથવા Fabula એ ઉપાદાન છે અને sjuzet એ ઉપાદાનને આકાર આપનાર પ્રયુક્તિઓ છે. રરશિયન સ્વરૂપવાદીઓના ઉપર્યુક્ત વિચારો પછીના તબક્કામાં કેટલાક પરિમાર્જિત થયા. ‘અપરિચિતીકરણ’ને સ્થાને અગ્રસ્થાનીયતા(foregrounding)નો ખ્યાલ વધારે પ્રચલિત બન્યો. સાહિત્યિકતા અર્પનાર તત્ત્વો પણ સાહિત્યમાં રૂઢ થઈ જાય. ત્યારે બીજાં તત્ત્વો ‘સાહિત્યિકતા’ને પ્રગટ કરવા માટે અસ્તિત્વમાં આવે છે. એટલે કોઈપણ સાહિત્યમાં તે વખતે પ્રવર્તતી વ્યવસ્થામાં કેટલાંક તત્ત્વો અગ્રસ્થાનીય બને છે પરંતુ તે વખતે જે અંશો સાહિત્યિકતાને પ્રગટ કરનારા ન હોય તે પણ સાહિત્યકૃતિમાં સમાંતરે રહેલા તો હોય જ છે. પરંતુ એ તત્ત્વો backgroundમાં હોય છે. આમ સાહિત્યજગતમાં આ foreground-background તત્ત્વોના વારાફેરા ચાલ્યા કરતા હોય છે. આના પરથી રશિયન સ્વરૂપવાદીઓએ સાહિત્યના ઇતિહાસનો એક નવો વિચાર રજૂ કર્યો છે. આમ ભાષાકીય અને સંરચનાગત પ્રયુક્તિઓમાં સાહિત્યિકતા શોધવાની મથામણ કરનાર રશિયન સ્વરૂપવાદીઓએ સાહિત્યમાંથી વ્યક્ત થતા વિચાર, લાગણી, દર્શન ઇત્યાદિને કૃતિને મૂલવવા માટેના માપદંડો તરીકે સ્વીકાર્યા નથી. એમના વિચારોના પ્રભાવ અનુઆધુનિક ભાષાલક્ષી અને સંરચનાવાદી સાહિત્યવિચારણા પર પડ્યો છે. જ.ગા.