ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લયવિસ્તાર
લયવિસ્તાર, લયપ્રવર્ધન(Amplitude of Rhythm) : કવિતા કે ગદ્યકૃતિમાં ભાષાશૈલીના સંદર્ભમાં લયનો એક વિશિષ્ટ રીતે વિનિયોગ કરવાની પ્રવિધિ. સ્વરોના આરોહઅવરોહના એક નિશ્ચિત એકમને નાનામોટા ફેરફારો સાથે એક જ રચનામાં એકીસાથે સતત પ્રયોજીને સર્જક તીવ્ર ભાવસ્થિતિને અસરકારક રીતે આલેખે છે. ગોવર્ધનરામની શૈલીની ચર્ચા કરતાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (વિવેચના, પૃ. ૬૭, ૭૧) લયવિસ્તારનો ઉલ્લેખ કરે છે. ગોવર્ધનરામની શૈલીમાં પ્રયોજાતી લયવિસ્તારની પ્રવિધિને તેઓ આ રીતે સમજાવે છે : ‘વાક્યપ્રવાહમાં સામાન્ય શિષ્ટ લેખક જ્યાં વિરામ લે, શ્વાસ ખાય, અટકી જાય, ત્યાં સંગીતકાર એક તાન લઈ લે તેમ ગોવર્ધનરામ જરા પલટો મારી વાધ્યા જાય છે.’ (વિવેચના, પૃ. ૬૭) નાનાલાલ અને બળવંતરાય ક. ઠાકોરની શૈલીમાં પણ આ પ્રવિધિ નોંધપાત્ર રીતે પ્રયોજાય છે. પ.ના.