ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લિંગકેન્દ્રિતા
લિંગકેન્દ્રિતા(Phallocentrism) : ફ્રેન્ચ નારીવાદી લેખક હેલન સિહૂએ, પિતૃમૂલક સમાજમાં પુરુષને વિજેતા તરીકે ચીતરવામાં આવ્યો છે એની સામે પોતાની પ્રતિક્રિયા આપી છે. દેરિદાની બૌદ્ધિક વિચારધારાથી પ્રભાવિત આ લેખક પણ તત્ત્વવિચારકેન્દ્રિતાનો વિરોધ કરે છે અને નારીને જીવનશક્તિના ઉદ્ગમસ્થાન તરીકે ઓળખાવી પિતૃમૂલક વ્યવસ્થામાં નારીનું શોષણ કરતી અને નારીને ચૂપ કરી દેતી જે લિંગકેન્દ્રિતા છે એનો નારીવાદી ભાષામાં વિરોધ કરે છે. લિંગકેન્દ્રિતા એવી વ્યવસ્થાનો નિર્દેશ કરે છે, જેમાં લિંગશક્તિનું ઉદ્ગમસ્થાન કે એનું પ્રતીક ગણાયું હોય. તત્ત્વવિચારકેન્દ્રિતા (Logocentrism) અને લિંગકેન્દ્રિતા (phallocentrism)ના સંકરમાંથી લિંગતત્ત્વકેન્દ્રિતા (phallogocentrism) જેવી સંજ્ઞા અસ્તિત્વમાં આવી છે.
ચં.ટો.