ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વેતાલ પંચવિંશતિકા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વેતાલપંચવિંશતિકા : આ કથાસંગ્રહના કર્તાની જાણ નથી. એનાં અનેક સંસ્કરણો ઉપલબ્ધ છે. શિવદાસનું ગદ્યપદ્યમય સંસ્કરણ વધુ પ્રામાણિક છે. એની કથાઓ લોકપ્રિય છે. વેતાલ એમાં વક્તા છે અને શ્રોતા રાજા ત્રિવિક્રમ છે. ત્રિવિક્રમસેન (વિક્રમાદિત્ય)ને એક ભિક્ષુ પાસેથી દર વર્ષે રત્નગર્ભિત ફળની પ્રાપ્તિ થાય છે. પોતાની સિદ્ધિ માટે ભિક્ષુ સ્મશાનમાંથી એક વૃક્ષ પર લટકતા શબને લાવી આપવાની માગણી કરે છે. શબમાં વેતાલની ઉપસ્થિતિ હોય છે. રાજા ચૂપ રહે તો જ વેતાલ શબને આપવા માગે છે પરંતુ એ એટલી વિચિત્ર કથાઓ કહે છે કે રાજાએ મૌન તોડવું જ પડે અને શબ પાછું ડાળી પર લટકી રહે છે. કથાનો ઉત્તેજક આરંભ, આક્રમક નિરૂપણ, પદ્યોમાં જળવાતું કાવ્યતત્ત્વ. લોકકથાનાં તત્ત્વોની ઉપસ્થિતિ; પ્રશ્નોના ઉત્તરોમાં દેખાતાં બુદ્ધિમત્તા, ડહાપણ અને વ્યવહારજ્ઞાન, રહસ્યના તત્ત્વની સારી પેઠે માવજત; છૂટી વાર્તાઓને વેતાલના પ્રશ્નો અને રાજાના ઉત્તરોથી જોડવાની કરામત, વાર્તારસની સંપૂર્ણ જાળવણી – આ એનાં પ્રધાનતત્ત્વો છે. એની કથનપદ્ધતિ ચમ્પૂશૈલીની નજીકની છે. વિચિત્ર પાત્રોનો મેળો, વિવિધ રસોનો સમન્વય, ઘટનાઓમાં ચમત્કૃતિ, મનોરંજક રજૂઆત અને સંવાદોની સ્વાભાવિકતા એને ઉપસાવે છે. વળી, સમાજનું અહીં સરળ ભાષામાં હૃદયંગમ ચિત્ર મળે છે. માર્મિક હાસ્ય, તંત્રમંત્ર-ભૂત-પ્રેત તત્ત્વોનો પ્રભાવ આ બધા સભર કુતૂહલની પરાકાષ્ઠાએ પહોંચાડનારી એની વાર્તાસૃષ્ટિ છે. ગુજરાતીમાં શામળની ‘વેતાલપચીસી’ જાણીતી કૃતિ છે. હ.મા.