ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંમૂર્તિપરક વિવેચન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંમૂર્તિપરક વિવેચન(Iconic criticism) : કવિતામાં સંમૂર્તિપરક પરિમાણોને લક્ષમાં લેતું વિવેચન. લેખન અને મુદ્રણને કારણે શબ્દસંકેતોને સ્થલગત વિન્યાસોમાં ઢળવાનો અવકાશ ઊભો થયો. સાહિત્ય મુખ્યત્વે લેખિત અને મુદ્રિત બન્યું. કવિતા ટાઈપરાઈટરથી પણ લખાવા માંડી. વાચકોને ઉચ્ચારિત શબ્દને સ્થાને સફેદ કાગળ પરનાં કાળાં ચિહ્નોનો સામનો કરવાનો આવ્યો. કવિઓએ દૃશ્યસંકેતોની નિહિત રહેલી સંમૂર્તિપરક શક્યતાઓનો વધુ ને વધુ તાગ લેવા માંડ્યો. કવિઓનું માનવું છે કે મૂળભૂત રીતે પ્રતીકપરક આ કલામાં સંમૂર્તિપરક પરિમાણ ઉમેરવાથી અને કૃતિનાં દૃશ્યતત્ત્વોને પ્રત્યક્ષ કરવાથી કૃતિના કાવ્યત્વને સંકેતોની સંવેદ્યક્ષમતાને આધારે વિસ્તારી શકાય છે. ચં.ટો.