ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સચોટતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સચોટતા : કનૈયાલાલ મુનશીએ પોતાના પુસ્તક ‘થોડાંક રસદર્શનો : સાહિત્ય અને ભક્તિનાં’(૧૯૩૩)માં કરેલી આ અંગેની સાહિત્યચર્ચા કેટલાક વિદ્વાનોને અશાસ્ત્રીય અને અવિશદ જણાઈ હોવા છતાં પરંપરાગત પરિભાષાથી હટીને પોતાની રીતે થઈ છે. એમના કહેવા પ્રમાણે કોઈપણ કલાપ્રક્રિયામાં સચોટતા ત્રણ સ્તરે આવે છે : ઇન્દ્રિય દ્વારા કોઈપણ વસ્તુ માણસના મગજ પર સચોટ છાપ પાડે ત્યારે; કલ્પનાચિત્ર ખડું થાય ત્યારપછી તેની સચોટ અસર ચિત્રકાર પર થાય છે અને તેના મનમાં આંદોલનો જાગે છે ત્યારે અને કૃતિ કે કથન દ્વારા ચિત્ર વ્યક્ત કર્યા પછી સામા માણસ પર સચોટ અસર થાય છે ત્યારે. આ ઉપરાંત મુનશીએ કથનકારના વૈવિધ્યપૂર્ણ સ્વભાવ પર, સામાન્ય માનવતાની મૌલિક મનોદશા પર, મનોદશા અને કથન વચ્ચેના અવિભાજ્ય સંબંધ પર અને કથનના સ્વરૂપની સ્વાભાવિકતા પર ભાર મૂક્યો છે. એમણે સચોટ સાહિત્યના મુખ્ય ધોરણના બે આધાર કલ્પ્યા છે : કથનની સામગ્રી અને કથનની રચના. કથનની સામગ્રી દ્વારા એમને શબ્દ અને શબ્દચિત્રો અભિપ્રેત છે, જ્યારે કથનની રચના દ્વારા વાક્ય, શબ્દચિત્રની ગોઠવણ, સમગ્રકથનનો પ્રવાહ અને પ્રભાવ અભિપ્રેત છે. ચં.ટો.