ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યાનુભવ
સૌંદર્યાનુભવ(Aesthetic experienec) : સંસ્કૃત રસદર્શન અને પાશ્ચાત્ય કલાદર્શન બંનેએ સ્પષ્ટ કર્યું છે કે કલ્પનાપૂર્ણ રૂપાન્તરને કારણે લૌકિક સામગ્રી કલાકૃતિમાં આનન્દદાયક બને છે. લૌકિક સ્વાર્થભાવથી, વસ્તુની ઉપયોગિતાથી અને સાંસારિક હાનિલાભથી મુક્ત કલાનો અનુભવ ન તો સ્વગત રહે છે, ન તો પરગત રહે છે. તાટસ્થ્ય અને તાદાત્મ્યથી રચાતો આ સાધારણીકૃત અનુભવ અન્ય આનંદોથી નોખો આનંદ આપે છે. કશાકને સાધન તરીકે નહિ પરંતુ સાધ્ય તરીકે સંવેદવાનું એ પરિણામ હોય છે.
ચં.ટો.