ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હેમ્લેટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હેમ્લેટ : શેક્સ્પીયરની પરિપકવ પ્રતિભાના ફળરૂપ ‘હેમ્લેટ’ વિદ્વાનોમાં પંકાયેલી અને ચર્ચાયેલી ટ્રેજિક નાટ્યકૃતિ ૧૬૦૦-૧૬૦૧માં રચાયેલી, વિષયની દૃષ્ટિએ આ ટ્રેજડી સંકુલ છે તેમ છતાં નાટ્યકારે તેની કરેલી માવજત અદ્ભુત છે. આ નાટ્ય-કૃતિનું મૂળ વિદ્વાનોએ સ્કેન્ડિનેવિયાની ‘અમ્લેથ’ (Amleth)ની એક પ્રાચીનકથામાં શોધ્યું છે. મહત્ત્વાકાંક્ષા, ખૂન અને વેરની ગૂઢ કથાને શેક્સ્પીયરે હેમ્લેટના પાત્રમાં અત્યંત સંકુલતા અને લાગણીશીલતા મૂકીને એક નવો જ ઘાટ આપ્યો છે. પિતાના મૃત્યુ પછી કાકા ક્લોડિયસ સાથે માતાનાં લગ્નની ઘટતી ઘટના હેમ્લેટની ભાવનાસૃષ્ટિને હચમચાવી મૂકે છે અને એના પિતાનો હત્યારો ક્લોડિયસ જ છે, એ પ્રતીતિ તેને પિતાનું પ્રેત કરાવે છે, ત્યારે જીવસૃષ્ટિ પૂરી ખંડિત થઈ જાય છે. કુલીન, વિદ્વાન, શૂરવીર અને ભાવનાશીલ હેમ્લેટને માતાનું ચાંચલ્ય, કાકાની કુટિલતા અને જાસૂસી, ઓફેલિયાની વિકળતા ફરીવાર મૂંઝવે છે. પિતાનું વેર લેવું? ક્યારે લેવું? શી રીતે લેવું? આવા જગતમાં જીવવું કે ન જીવવું વગેરે પ્રશ્નો એના ચિત્તમાં તીવ્ર સંઘર્ષ રચે છે. ‘હેમ્લેટ’ વાંચતાં ચિત્તમાં કરુણતાનો ભાવ જ ઊપસી આવે છે. મનુષ્ય ઈશ્વરનું સર્વોત્તમ સર્જન, એની મહાનતાનો કેવો દુર્વ્યય! આ ‘waste of human greatness’ની સમજ વાચકના ચિત્તને ગ્લાનિથી ભરી દે છે. હેમ્લેટનું પાત્ર શેક્સ્પીયરનાં ઉત્તમ સર્જનોમાંનું એક છે. તેની દ્વિધાવૃત્તિનું તેમજ નિરાશા અને ઉગ્ર કાર્ય માટેના ઊભરા વચ્ચે ઝોલાં ખાતા મનનું નિરૂપણ શેક્સ્પીયરે અદ્ભુત કુશળતાથી કર્યું છે. એની સ્વગતોક્તિઓ કવિતા ને ચિંતનનો સુયોગ પ્રગટ કરનારી ને બ્લેન્કવર્સની ઉત્તમ છટા પ્રગટ કરનારી છે. મ.પા.