ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હોટેલ પોએટ્સ ગૃપ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હોટેલ પોએટ્સ ગ્રુપ : ૧૯૭૩-’૭૪ની આસપાસ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ અર્થે મળતા ચિનુ મોદી, ઇન્દુ ગોસ્વામી, સરૂપ ધ્રુવ, દીવા પાણ્ડેય, દલપત પઢિયાર અને દ્વારકેશ વ્યાસ આ બધાંએ ભેગા મળીને હોટેલ ‘ઓમિસિયમ’ પર હોટેલ પોએટ્સ ગ્રુપ તરીકે દર બુધવારે મળવાનું નક્કી કરેલું. દર અઠવાડિયે કાવ્યવાચન થાય, એમાંથી કાવ્યોનું ચયન થાય. આ ગ્રુપનાં બે મુખપત્રો; ૧, ઓમેસિયમ, (સર્જનાત્મક કાવ્યો પ્રગટ કરતું સામયિક, ૨, ‘સંભવામિ’ (વિવેચનાત્મક, વ્યંગ-કટાક્ષથી ભરપૂર, તીખું તમતમતું ચોપાનિયું). કવિતાને કાનની નહીં પણ આંખની કળા બનાવવાની મથામણ આ ગ્રુપના કવિઓએ કરી. પોતાની કાવ્યરચનાઓની રજુઆત દૃશ્ય-શ્રાવ્ય રૂપે વિવિધ સ્થળોએ ફેરી ફરીને – નાચતાં નાચતાં કરી. વિજુ ગણાત્રા, હેમાંગિની શાહ અને ઉષા ઢેબર જેવી કવયિત્રીઓ પણ આ ગ્રુપમાં સામેલ હતી. ઇ.પુ.