ગુજરાતી સૉનેટકાવ્યો/અધૂરૂં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬૮. અધૂરૂં

ગજેન્દ્રરાય ગુલાબરાય બૂચ

અધીરી આંખોમાં ક્યમ પરમ સૌંદર્ય ભરવા?
અધૂરી પાંખો આ ગગનમહીં મ્હારે વિહરવાં;
ઘડીમાં મીંચાતાં નયન, મુજ પાંખે, પ્રબળ ના–
સમાવું શી રીતે જીવન સઘળાં એક પળમાં?

અમીના કૈં પ્યાલા અધર અડકીને ઢળી જતા,
તરંગોના રંગો ઉડી ઉડી ઉષા શા ગળી જતા;
મરૂભૂમિમાં જો મૃગજળ રહ્યાં દૂર દમતાં-
અધૂરાં એવાં કૈં જીવન શમણાં જેમ શમતાં.

પ્રભો! દીધાં તેં શું રસજીવનનાં દાન અમને?
પ્રભો! તેં પાયાં શું તુજ પરમ પીયૂષ અમને?
અમી એ ચાખ્યાં ને તરસ ઉરની જાય વધતી–
હવે કાં ઝંખાવે? –અમૃતતણી તૃપ્તિ નહિ થતી.

પ્રભો! ના જો નિભાવે તો લગની ન લગાડતો;
લગાડી શોખ સ્વપ્નાંનો, જગમાં ન જગાડતો.
(‘ગજેન્દ્રનાં મૌક્તિકો’)