ગુજરાતી સૉનેટકાવ્યો/છીપ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫૭. છીપ

દેવજી રા. મોઢા

પડી’તી સિંધુને અતળ તળિયે, કૈંક જળના
સ્તરો મારા નાના શરીર ઉપરે ભીંસ કરતા;
અને ત્યાં કો ખૂણે તિમિરભરી કો ખાંચની મહીં
રહી, વારિમાંથી ચહું મુજ ઉરે મોતી સ્ત્રજવા.

થશે મારું મોતી સરસ, જગમાં ખ્યાતિ રળશે,
અને માતા લેખે બનીશ અધિકારિણી યશની :
કંઈ એવા ખ્યાલે દિવસ કપરા હું વહવતી,
જળોની ભીંસોને, વળી તિમિરને યે ન ગણતી.

અરે, કિન્તુ પેલા બની જઈ અધીરા મરજિવા
ઢૂક્યા, સિંધુ ડ્‌હોળ્યો, ઉંચકી ય મને અન્ય સહ, ને
તટે જૈન જોયું તો મુજમહીંથી મોતી ન નીકળ્યું,
અને દીધી રોષે ફગવી શી મને વેળુઢગમાં?

ભલેને ના મોહ્યાં મુજ રૂપ પરે દુન્યવી જનો,
ઘણું ના આ કે હું લુભવી શકી છું બાલક-મનો?
(‘પ્રયાણ’)