ગુજરાતી સૉનેટકાવ્યો/જોઈશ આ હૃદય ભીતર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૭૪. જોઈશ આ હૃદય ભીતર

હરિશ્ચન્દ્ર ભટ્ટ

જોઈશ આ હૃદય ભીતર એક વાર?
પારેવડું ગરીબડું રડતું ઘવાયું.
ના હોંશ કૂજન તણી, ઊડવાની યે ના;
પાંખો ગઈ, ગઈ વળી દિવસોની ઉષ્મા.

આવે બિચારું તુજ હાથ મહીં લપાવા
જેણે ફરી ફરી ધરી કગ ભૂખ ભાંગી;
ને કૂજને હૃદયનો રણકાર પૂરી
જેને નચાવી રીઝવ્યું હતું કૈંક વેળ.

એ જાય ક્યાં, ક્યમ ભૂલે દિવસોની મૈત્રી
જ્યારે હવે નવ રહી ઊડવાની હામ?
તેં ખોળલે લઈ રમાડ્યું, હવે ખસેડે
શાને પૂછે હૃદયને નહિ બીજી વાર?

થૈને કૃતઘ્ની કરી ચંચુ-પ્રહાર ક્યારે
ડાર્યા કદી ય તુજ વત્સલ હાથ એણે?