ગુજરાતી સૉનેટકાવ્યો/તિમિરવનમાં
૧૧૦. તિમિરવનમાં
મણિલાલ હ. પટેલ
પ્રલંબાતા છાંયા, દિન ઢળી જતો પ્હાડ પછીતે
અરણ્યો ઓઢી લે હરિત ભૂખરું સાન્ધ્યવસન
બધે ઓળા ઝાંખા; ઝળહળી રહે આભ, શિખરો...
ઊડે બૂડે પંખી રવ – અનુરવે રાન રણકે...
હવે અંધારાનો પથિક પ્રગટે, પંથ પલળે
બધે કાળાં પાણી અરવ ઘૂઘવે, પ્હાડ પલળે
ડૂબે વૃક્ષો, વ્હેળા, ત્રમ ત્રમ રવે રાન પલળે
વહે અંધારામાં પવન પલળી, ગાન પલળે!
બધા પ્હાડો ઝાંખા તરુવર દીસે પ્રેત સરખાં
ખરે પર્ણો જાણે તરફડી ઊઠે પાંખ પળની
થીજેલી રાત્રીમાં તિમિર તરસ્યાં રીંછ રખડે
રડે ફાલુ કાળું દવ તરસ લૈ ઘૂવડ રડે...
યુગોથી ઊભો છું ઋતુ બદલતા જંગલ તટે
ફળે આશા : ક્યારે તિમિરવનમાં સૂર્ય પ્રગટે?!
૧૯૮૪