ગુજરાતી સૉનેટકાવ્યો/પડઘા-બે
૧૩૨. પડઘા-બે
યોગેશ વૈદ્ય
તૂટ્યા ટોડલા ને પથ્થરની ઝૂલ ઝૂકી આવી છે
કોની પાસે ભીડી દીધેલાં અંતરની ચાવી છે
રાન સમા આ ફળિયે ઊગી ભોરીંગણી કાંટાળી
રાંધણિયામાં નથી ધુમાડો. બસ ખૂલી છે જાળી
ખૂલી અગાસી જેણે ચાંદો હાથવગો રાખ્યો‘તો
જયાગૌરીના હાથે દૂઘમાં ઝબકોળી ચાખ્યો’તો
પડ-પરસાળે ખૂબ ભમ્યો દાદીનો સાળુ ઝાલી
દાદીમાનો પ્રિય દાબડો, અંતે નીકળ્યો ખાલી
રાંધણિયામાં ક્યાંક કાલનો સૂરજ ભારી રાખે
સાસુ-વહુને બસ પોતાનાં પેટ હરાવી નાંખે
દિવસો તો ઉજમાળા વીતે, રાત પડે બહુ કાળી
પ્રભાવહુની ભીડ ભાંગવા આવે ના વનમાળી
સુન્ન હવામાં સોળ સબોડે કોઈ અગોચર બડિયો
ગિરજામાના હાથ વચાળે બસ એક કાણો પડિયો