ગુજરાતી સૉનેટકાવ્યો/યાત્રા
૧૩૩. યાત્રા
સંધ્યા ભટ્ટ
ઝંઝાવાતો પ્રબળ ગતિએ આવવાના જવાના
નાનાંમોટાં વમળ અમને ગૂંચવી નાખવાનાં
સંબંધોની સરગમ કદી તાલમાં ખોટકાતી
મીઠાતીખા કટુ અવસરો સ્વાદનો થાળ પૂરે
વર્તુળાતું જીવન સહુનું ચક્ર થઈને ફરે છે
ઊંચે ઊંચે કદીક તળિયે થોભતું એ રહે છે
મોજાં મોટાં ધસમસ કરી ડારતાં ને સમાતાં
થાક્યોપાક્યો સફર કરતો સાન્ટિયેગો સ્મરું છું
શક્તિ તારી વિકસતી જશે સામનો જો કરે તું
સૂતી પ્રજ્ઞા અલસ ત્યજશે, નાથશે સૌ પ્રપાતો
ખૂણેખૂણે પ્રગટતું જશે ઓજ તારું સવાયું
ઉકેલાશે નવતર ઘણા અર્થ આ જિંદગીના
ઊભા ઊભા તટ પર બધું જોવું ક્યાં શક્ય છે જે
સંડોવાશું, તરલ બનશું ને થશું પાર સામે
(‘નવનીત સમર્પણ’, નવેમ્બર ૨૦૧૭)