ગુજરાતી સૉનેટકાવ્યો/યોગહીણો વિયોગ
૩૩. યોગહીણો વિયોગ
રાજેન્દ્ર શાહ
સામે સામે પથ પર જતાં માર્ગ કેરા વળાંકે
ન્યાળી આજે પ્રથમ જ તને, કેટલો કાળ સ્વલ્પ!
તેમાં યે હે રમણી! દૃગની દીપ્તિના ચારુ પાતે
આખી ઝાંખી કરી શી દીધ સૌંદર્યની મારી ખલ્ક!
એનો છે ના જરીય ઉરમાં શોચ કૈં કિંતુ જાણે?
કે સુણીને ગીત, નીરખી વા સંધિના રંગ ભવ્ય
જાગે કેવો અધિકતર માધુર્યનો શોષ પ્રાણે?
થાતું, જો તેં મિલન સ્મૃતિથી કૈં કીધું હોત ધન્ય!
સાયંકાલે ધૂસર પુરનાં વૃક્ષના મુગ્ધ દેશે
સોહંતી તે, તરલ નહિ તારા જશી, તન્વી બીજ;
તેં તો મારા નિબિડ નિશિ–સૌંદર્યના સૌ નિવેશે
રે અંધારાં પલક મહીં અંઘોળિયાં લુપ્ત વીજ!
સાથે બે કૈં ડગ ભરી બની હોત જો મિત્રતુલ્ય...
ના, ના, એથી અધૂરપ તણું દર્દ છે આ અમૂલ્ય.