ગુજરાતી સૉનેટકાવ્યો/વીણાનું અનુરણન
૧૦. વીણાનું અનુરણન
નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા
નિગૂઢ, ઉરવાદ્યમાં, અતિ નિગૂઢ, આન્દોલનો
સ્વરાવલિ તણાં સુણી તુજ ઉરે ધ્વનિ ઊપન્યો,
કલા અજબ જાદુની કંઈ સમર્પીને પીંછીમાં
વિકાસ સ્વરબિમ્બના મૃદુ રચ્યા શું આ ચિત્રમાં;
સુરંગ કંઈ ઊજળા ભરી જ એ અમીદીપમાં
સુરેખ અતિ સૂક્ષ્મ ત્હેં પ્રગટ કીધી આ બીનમાં.
ખમી ન સકિયો તું એ અનુપ દિવ્યને બન્ધનો,
ધરી વિરલ હોંસ ત્હેં : ‘અધિક સૂક્ષ્મતા સાધનો
મળે અમર ભૂમિમાં, તહિં વશી કલા કેળવું;
વિકાસ અદકો ધરો મુજ કલા, હું તે મેળવું’.
પ્રયાણ સહસા કર્યું; તુજ કલા ચિદાકાશમાં
પ્રસાર ધરશે ભલો અમર ભૂમિના વાસમાં.
તજ્યાં પ્રિયજનો અહીં કરુણતા તણા ગર્તમાં,
તહીં રહી સ્મિતો ધરે મધુર પ્રેમથી તું નવાં.
(‘હૃદય વીણા’)