ગુજરાતી સૉનેટકાવ્યો/સિન્ધુનું સ્મરણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬૬. સિન્ધુનું સ્મરણ

સુન્દરજી બેટાઈ

આવે આવે મદવિલસતી માનિની ઊર્મિમાલા,
ઘેરી ઘેરી યુગયુગતણા ગાનની શબ્દમાલા,
ઘૂમે ઘૂમે પ્રબલ અનિલો મત્ત માતંગ જેવા :
એવા એવા ક્યમ વિસરિયે સિન્ધુ કેરા કિનારા?

મોંઘું એ તો દ્વય હૃદયના જન્મનું રમ્ય સ્થાન,
ત્યાં આજે શી સ્મરણધનુની વિસ્તરે છે કમાન!
વચ્ચે કેવાં સ્થલસમયનાં અંતરો છે પડેલાં!
તો યે કેવું અધિક બલથી જામતું પૂર્વભાન!

જ્યાં બેસીને મનભર, સખી, ચાંદનીસ્નાન માણ્યાં,
જ્યાં બેસીને હૃદયરસની છાલકે ખૂબ ન્હાયાં,
ને જ્યાં માણી પ્રથમ સુરભી આત્મની મંજરીની
ને જ્યાં પ્હેલાં કલરવ સુણ્યાં દિવ્ય કો ઝાંઝરીનાં.

વ્યોમચ્છાયા સકલ વિભવે આરસીમાં વિરાજે,
માટે હૈયે વિતત ગરવો સિન્ધુ યે એમ ગાજે.
(‘ઇન્દ્રધનુ’)