ગુલામમોહમ્મદ શેખ
શેખ ગુલામમોહમ્મદ તાજમહમ્મદ (૧૬-૨-૧૯૩૭) : કવિ. જન્મ વઢવાણમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.એ. (ફાઇન). ૧૯૬૧માં એમ.એ. (ફાઇન). ૧૯૬૬માં રૉયલ સ્કૂલ ઑવ આર્ટ, લંડનમાંથી એ.આર.સી.એ. ૧૯૬૦થી ૧૯૬૯ સુધી મ. સ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઑવ ફાઇન આર્ટમાં વ્યાખ્યાતા, ૧૯૭૯થી ૧૯૮૨ સુધી રીડર અને ૧૯૮૨થી પ્રોફેસર તથા ચિત્રકલા વિભાગના અધ્યક્ષ. ‘ક્ષિતિજ', ‘વિશ્વ માનવ’, ‘સાયુજય’માં કલાવિભાગોનું સંપાદન. ૧૯૮૩માં પદ્મશ્રી ઍવોર્ડ. ‘અથવા’ (૧૯૭૪) કાવ્યસંગ્રહમાં આધુનિક ગુજરાતી ગદ્ય કવિતાનું તેમ જ કાલધર્મી કવિતાકલા સાથે સ્થલધર્મી ચિત્રકલાના તરીકાઓના સંયોજનનું એક નવું પરિમાણ જોવા મળે છે. શબ્દો દ્વારા ઊપસતાં દૃશ્યસંયોજનોની શ્રેણીમાંથી બનતો કાવ્યપટ વિશિષ્ટ વાક-રીતિઓને તાકે છે. આથી પદબંધની અને વાકય બંધની અપૂર્વ ચમત્કૃતિ ઊભી થાય છે. ક્યારેક નિષિદ્ધ ક્ષેત્રનાં સાહચર્યોથી ભાવપતને ક્ષુબ્ધ કરી આધુનિક સંવેદનાને નીપજાવવાનો પ્રયત્ન પણ જોવાય છે. આ ઉપરાંત અમેરિકન ચિત્રકળા (૧૯૬૪) એમના અનુવાદગ્રંથ છે.