ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પ્રસ્તાવના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

પ્રસ્તાવના

સોસાયટીની નોકરીમાં જોડાયા પછી તુરંત જ ઑન. સેક્રેટરી સ્વ. રા. બ. લાલશંકરભાઇએ સન ૧૮૬૪ સુધીમાં પ્રસિદ્ધ થયેલાં ગુજરાતી પુસ્તકોની છાપેલી યાદી બતાવી તે ધોરણે ગુજરાતીમાં છપાયેલાં સઘળાં પુસ્તકોની એક વર્ગીકૃત સૂચિ તૈયાર કરવાનું મને સૂચવ્યું; પણ ચાલુ ઑફિસ કામ એટલું બધું વ્યવસાયવાળું અને જવાબદારીભર્યું કે તે કાર્ય પાછળ ધ્યાન આપવાને ભાગ્યે જ સમય મળતો; અને એકાદ માસમાં તે પડતું મૂકવું પડેલું; પણ ત્યારથી એ કાર્યમાં મારું ચિત્ત પરોવાયેલું; વળી પૂણામાં ડક્કન વર્નાક્યુલર ટ્રાન્સલેશન સોસાયટી, છાપેલી સરકારી ત્રિમાસિક યાદી પરથી એવી એક સૂચિ મરાઠી ગ્રંથોની કરાવતી હતી તે જાણવામાં હતું. એટલે એ કાર્ય કેવી રીતે આટોપાય એના વિચાર આવ્યા જ કરતા. અને પ્રસંગોપાત વડોદરા સેન્ટ્રલ લાઇબ્રેરીના આસિ. ક્યુરેટર શ્રીયુત મોતીભાઈ અમીનનો ભેટો થતો, તેનો લાભ લઈ, એ વિષય એમની સાથે ચર્ચતો પણ ખરો. તેની ઉપયોગિતા એમના લક્ષમાં પૂરેપૂરી ઠસેલી હતી અને એમના ખાતા તરફથી એવું કાર્ય ઉપાડી લેવાય તો સોસાયટી સહકાર કરે, એમ એમને મેં વાતમાં જણાવેલું, પણ એ નરરત્ને જેમ પુસ્તકાલયના અંગના અનેક પ્રશ્નો ઉકેલી ગુજરાતમાં પુસ્તકાલયની હિલચાલને, તેનાં મૂળ ઊંડા નાંખીને, આગળ વધારી છે, તેમ એ સૂચિનું કાર્ય એમણે જાતજવાબદારી પર ઉપાડી લીધું, અને મને નોંધતાં આનંદ અને સંતોષ થાય છે કે એ પ્રશસ્ય પણ ભગીરથ કાર્ય એમના શુભ પ્રયાસ અને આગ્રહથી સફળ થઈ આપણે “આઠ હજાર ગુજરાતી પુસ્તકોની એક વર્ગીકૃત સૂચિ” એ નામનું એક મોટું દળદાર, મહત્ત્વનું અને ઉપયોગી રેફરન્સ પુસ્તક મેળવવાને ભાગ્યશાળી થયા છીએ; એ પણ વળી એક સુયોગ છે કે સદરહુ સૂચિ સન ૧૯૨૮ સુધી આવીને અટકે છે અને પછીનાં સન ૧૯૨૯નાં પ્રકાશનની નોંધ કરવાનો અવસર સોસાયટીને સાંપડ્યો છે; પ્રસ્તુત “ગ્રંથ અને ગ્રંથકાર”નું પુસ્તક પ્રતિ વર્ષ નિયમિત રીતે નીકળતું રહે તો વાર્ષિક પ્રકાશનની નોંધ કરવાનું ચાલુ રહેવા સંભવ છે.

ઈસુનું વર્ષ ૧૯૦૭ એ નામથી લેખ લખી સ્વ. રણજીતરામે સાહિત્યમાં અને અન્ય સંસ્કૃતિના ક્ષેત્રમાં પ્રગતિની વાર્ષિક સમાલોચનાનું કાર્ય આદરેલું અને એ પ્રથા આગળ ચાલુ રહે એ ઉદ્દેશથી સોસાયટીના મણિ મહોત્સવના અવસરે એમણે ઑન. સેક્રેટરીને એક પત્ર લખી મોકલી, તે માટે યોજના કરવાનું સૂચવ્યું હતું.

કારોબારી કમિટીએ તે પરથી વાર્ષિક સમાલોચના માટે રૂ. ૧00નું પારિતોષિક જાહેર કરી સન ૧૯૦૯ની ગ્રંથ પ્રસિદ્ધિનું અવલોકન કરવાનું કાર્ય પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને સોંપ્યું; સન ૧૯૧૦નું પ્રો. કાન્તિલાલ છગનલાલ પંડ્યાને આપ્યું; પણ એ બંને સજ્જનોને, દૂર સ્થળે રહેવાનું અને ત્યાં સાધનોની પૂરતી અનુકૂળતા નહિ તે કારણે; અને વળી એક જ વર્ષની સમાલોચના કરવામાં કંઈક અપૂર્ણતા આવી જવાની અને કોઈને અજાણ્યે અન્યાય થવાની ભીતિથી, તેઓએ તે કાર્ય કરવામાં શિથિલતા દાખવેલી. તેથી તે મુશ્કેલી દૂર કરવાને કમિટીએ સ્વ. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીને સન ૧૯૦૯, ૧૯૧૦ અને ૧૯૧૧, એમ ત્રણ વર્ષનું સામટું અવલોકન કરવાનું જણાવી તે વર્ષોનાં પ્રકાશનો પણ તેમને મુંબાઇ મોકલી આપ્યાં હતાં; તેમ છતાં એ ધારેલો હેતુ સિદ્ધ થયો નહિ.

આમ નિરાશા મળતાં સન ૧૯૧૬નું સાહિત્યનું અવલોકન કરવાનું ગુજરાત સાહિત્ય સભા તરફથી મેં માથે લીધું અને પ્રિન્સિપાલ આનન્દશંકર ધ્રુવના પ્રમુખપદે તે લેખ વાંચ્યો હતો. તે પ્રસંગે એમણે પ્રમુખસ્થાનેથી એક મનનીય વ્યાખ્યાન આપ્યું હતું તે તેના અંગે એક વિશેષ લાભ થયો હતો.

દરમિયાન સોસાયટી તરફથી વાર્ષિક સભાના દિવસે, એકાદ જાણીતા વિદ્વાનને નિમંત્રણ કરી, સાહિત્ય, ઇતિહાસ કે તત્ત્વજ્ઞાનના વિષય પર વ્યાખ્યાન અપાવવાની રૂઢિ દાખલ કરી, જે હજુ ચાલુ છે.

આ પુસ્તકના પ્રારંભમાં સદરહુ વાર્ષિક વ્યાખ્યાન મુકવાની ધારણા રાખી હતી. શ્રીયુત કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ચાલુ વર્ષનું વાર્ષિક વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યું હતું; પણ અત્યારની સત્યાગ્રહની લડતમાં તેઓ જોડતાં, તેમને જેલનિવાસ પ્રાપ્ત થયો એટલે એ કાર્ય મૂલત્વી રાખવું પડ્યું; હાલ તુરંત એ સ્થાન સન ૧૯૨૯નાં પ્રકાશનનું અવલોકન એ લેખને આપ્યું છે, જે ઉપર નિર્દેશેલ અખતરાના અનુસંધાનરૂપ છે.

થોડાંક વર્ષ પર શ્રીયુત નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયા–એઓએ સ્વ. વૃજલાલ શાસ્ત્રીની મૃત્યુ તારીખ અને વાર પૂછાવેલા, પણ તે વિષે કશી ખાત્રી લાયકમાહિતી મળી શકી નહિ. તે દિવસથી અર્વાચીન ગ્રંથકારોનાં જીવનચરિત્રનાં સાધનો–એમનાં જીવનને લગતી હકીકત, બને તેટલી વિશ્વસનીય, વિગતવાર અને પ્રમાણભૂત એકઠી કરવાને અને નોંધવાને કંઈક વ્યવસ્થા થવા મનમાં ગડમથલ કર્યા કરતો : તે સંજોગમાં શ્રીયુત વિજયરાય કલ્યાણરાય વૈદ્ય અમદાવાદમાં સ્થાયી આવી વસતાં અને સોસાયટી તરફથી કાંઇ સાહિત્યનું કાર્ય સંપાદન કરવાની–મળવાની તેમણે ઇચ્છા પ્રદર્શિત કરતાં કમિટીએ તેમને પ્રાચીન કવિઓની ચરિત્રાવળી, ઉપલબ્ધ પ્રસિદ્ધ વૃત્તાંત પરથી તૈયાર કરી આપવાનું સોપ્યું.

આ પ્રમાણે રફતે રફતે અને ક્રમસર એ યોજના આગળ ચાલુ રાખી, ગુજરાતી ગ્રંથકર્તાઓની ચરિત્રાવળી, એમનાં જીવનની સાધનસામગ્રી, કોઈ રૂપે અભ્યાસીને અને વાચકને સુગમ અને ઉપયોગી થાય, એ તેમાં મુખ્ય હેતુ હતો.

પ્રસ્તુત ગ્રંથમાં તેથી પ્રાચીન લેખક કવિઓનો સમાવેશ કર્યો નથી અને અર્વાચીનમાં પણ પ્રથમ વિદ્યમાન ગ્રંથકારોના જીવનચરિત્રની હકીકત, એમની જ પાસેથી બને તેટલી મેળવી, તે નોંધ ખાસ કરીને એમના ગ્રંથોની યાદી, તેના પ્રકાશનની સાલ સાથે આપીને, જેમ બને તેમ તે પ્રમાણભૂત થાય એવો પ્રયત્ન કર્યો છે.

અહીં મારે ઉપકાર સાથે કહેવું જોઈએ કે જે ગ્રંથકર્તાઓને છાપેલું માહિતીપત્રક મોકલી આપ્યું હતું, તેમાંના ઘણાખરાએ તેમાં જરૂર પુરતી વિગતો ભરી મોકલીને અને પછી તે નોંધનો કાચો ખરડો તપાસી જઈને, મારું કાર્ય જેમ સરળ કરી આપ્યું હતું તેમ તેમાંની વિગતો તેટલે દરજ્જે વિશ્વસનીય છે, એવું પ્રમાણપત્ર આપ્યું છે એમ કહી શકું.

વળી વિદ્યમાન ગ્રંથકારોમાંના ઘણાંનાં નામો આ સંગ્રહમાં મળી નહિ આવે. જે જે ગ્રંથકારોને છાપેલું માહિતીપત્રક મોકલી આપેલું, તેમાંનાં કેટલાકની હકીકત વખતસર લખાઈ આવી નહોતી અને બીજા ભાઈઓ ચાલુ રાજકીય લડતમાં જોડાતાં, તેમની પાસેથી કામપુરતી માહિતી મેળવવાનું પણ કઠિન થઈ પડ્યું હતું.

આ સંજોગમાં એ ઉણપ આગળનાં પુસ્તકોમાં જરૂર દૂર કરવામાં આવશે. તે પછી અર્વાચીન વિદેહીનાં ચરિત્રો ઉતારવાની ઉમેદ રાખી છે.

પ્રસ્તુત સંગ્રહમાં વર્ષ દરમિયાન પ્રકટ થયેલાં સાહિત્ય, ઇતિહાસ, તત્વજ્ઞાન અને પુરાતત્વ વિષેનાં લેખો, રેફરન્સની સવડ માટે, ફરી છાપવાનો તેમજ ગુજરાતી માસિકોમાં આવી ગયેલા મૌલિક અને અગત્યના લેખોની સૂચિ, જેમ ઇંગ્રેજી જર્નલોમાં આવે છે તેમ, આપવાનો વિચાર હતો; પરંતુ પુસ્તકનું કદ ધાર્યા કરતાં બહુ વધી જવાથી એ વિભાગ ઉમેરવાનું આ વખતે બની શક્યું નથી.

હવેથી સદરહુ સૂચિ તેમ વાર્ષિક પ્રકાશનની યાદી લિડનમાંથી છેલ્લાં બે વર્ષથી પ્રસિદ્ધ થતી એન્યુઅલ બિબ્લોગ્રાફી ઑફ ઇડિયન આર્કોલોજી – Annual Biblography of Indian Archaeology–ની પેઠે, સટીક અપાય એવી ધારણા રાખી છે. ઇંગ્રેજીમાં આ જાતનાં અને અનેક વિષય પરનાં સંખ્યાબંધ પુસ્તકો મળી આવશે. એવું રેફરન્સ સાહિત્ય આપણે અહીં ઊભું કરવાને આ એક શરૂઆતનો પ્રયોગ છે; તેની સફળતાનો આધાર આ કાર્યમાં લેખકવર્ગ જે પ્રમાણમાં સહકાર અને મદદ કરશે તે પર અવલંબી રહેશે. વસ્તુતઃ આવાં પુસ્તક એકલે હાથે સંપાદન થઈ જ શકે નહિ; સૌના સહકારની સાથે તેની ઉપયોગિતા વધારવા સારૂ મદદરૂપે નવાં નવાં દૃષ્ટિબિન્દુઓ, સૂચનો મળતાં રહે, એ પણ એટલું જ જરૂરનું છે; તો જ તે વિકાસ પામે અને ખીલે અને એક સ્થાયી રેફરન્સનું પુસ્તક થઈ પડે. અંતમાં ‘કુમાર કાર્યાલય’ના પ્રાણસંચારક અને કળામર્મજ્ઞ શ્રીયુત બચુભાઈ રાવતનો મારે ઉપકાર માનવો જોઈએ; જેમણે આ કાર્યમાં શરૂઆતથી કેટલીક વ્યવહારુ સૂચનાઓ કરવાની સાથે, નવા લેખકબંધુઓને માર્ગદર્શક અને મદદગાર થઈ પડે, એ દૃષ્ટિએ, ‘પ્રેસકોપી અને પ્રુફરીડિંગ’ વિષે એક મનનીય લેખ, મારી માગણીથી ખાસ લખી આપ્યો છે. અને શ્રીમતી લેડી વિદ્યાબ્હેને, પ્રસ્તુત પુસ્તકનો પરિચય લખી આપીને મને વિશેષ આભારી કર્યો છે, એમ કહું તો તે અતિશયોક્તિભર્યું નથી જ.

અમદાવાદ
તા. ૨૦-૮-૧૯૩૦

હીરાલાલ ત્રી. પારેખ