ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/મગનલાલ વખતચંદ શેઠ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મગનલાલ વખતચંદ શેઠ

સ્વ. મગનલાલ વખતચંદનો જન્મ ઇ.સ.૧૮૩૦માં અમદાવાદમાં મારુ વીસાશ્રીમાળી જૈન જ્ઞાતિમાંના શેઠ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું પૂરું નામ વખતચંદ ઉર્ફે ઘેલાભાઈ પાનાચંદ હતું. તેમનાં પત્નીનું નામ રતનબહેન હતું, જે ખેરાળુ તાલુકાના ઉમતા ગામનાં હતાં. તે સરકારી અંગ્રેજી સ્કૂલમાં ભણતા હતા તે વખતે જ તેમણે લેખન-વાચનનોને શોખ કેળવ્યો હતો, અને તેને પરિણામે તેમણે ગુ. વ. સેસાયટી માટે “હોળી” ઉપર નિબંધ લખ્યો હતો જે સોસાયટીએ ઈ.સ.૧૮૫૦માં શિલાછાપમાં છપાવી પ્રસિદ્ધ કર્યો હતો. તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. તેમની સાથે તે વર્ષમાં એ પરીક્ષા પસાર કરનાર માત્ર બે જ વિદ્યાર્થીઓ અમદાવાદના હતા. સને ૧૮૫૧ની સાલમાં અમદાવાદના હરકુંવર શેઠાણીએ કાઢેલાં સોરઠના જૈન સંઘમાં, તેમજ તે અગાઉના બીજા સંઘોમાં પણ તે ગએલા, એ સંઘનું વર્ણન તેમણે ત્યારપછી લખેલું હતું. જૈનાચાર્ય શ્રી વીરવિજયજી પોતે પૂર્વાશ્રમમાં કેશવ ભટ્ટ હતા, ત્યારથી માંડીને તે અવસાન પામ્યા ત્યારસુધીનું જીવનચરિત્ર પણ તેમણે કેટલીક શોધખોળ કરીને લખેલું હતું. એમાંથી વિક્રમની ૧૯મી સદીના પૂર્વાર્ધના જૈન જીવનનો કેટલોક પરિચય મળે છે. મરાઠાઓના રજત્વના છેવટના ભાગનો, અંગ્રેજી સમયની શરુઆતનો તથા અમદાવાદનો ઇતિહાસ તેમણે લખેલો હતો. એ જૂનો ઈતિહાસગ્રંથ 'ગૂજરાતનું પાટનગર' એ ગ્રંથ લખવામાં શ્રી. રત્નમણિરાવને કેટલેક અંશે આધારરૂપ બનવા પામ્યો હતો. આ ઉપરાંત સ્વ. મગનલાલે બીજાં પણ બે ત્રણ નાનાં પુસ્તકો લખ્યાં હતાં. તેમણે સને ૧૮૬૪માં સ્થપાયેલી રોયલ બેંકની અમદાવાદની શાખાના એજંટ તરીકે બે વર્ષ સુધી કામ કર્યું હતું. અમદાવાદની મ્યુનિસિપાલીટીના કમિશનર તરીકે પણ તેમણે સેવા બજાવી હતી. સને૧૮૬૮ના માર્ચની તા.૧૧મીએ માત્ર ૩૮ વર્ષની વયે તે અવસાન પામ્યા હતા, પરન્તુ એટલા સમયમાં પણ તેમણે જે કાંઈ લેખનકાર્ય કર્યું હતું તે તે કાળની દૃષ્ટિએ વિરલ પ્રકારનું હતું. તે પોતાની પાછળ વિધવા પત્ની, બે પુત્રીઓ મોતી બહેન તથા સમરથ બહેન અને છ વર્ષની વયનો પુત્ર મૂકી અવસાન પામ્યા હતા. એ પુત્ર તે સ્વ. અચરતલાલ ઉર્ફે બાલાભાઈ શેઠ. તેમના પુત્ર શ્રી. નેમીકુમાર કેટલોક શ્રમ લઇને સંશોધન કરી સ્વ. મગનલાલના જીવનની આટલી માહિતી પૂરી પાડી શક્યા છે. તેમનાં પુસ્તકો નીચે મુજબ છેઃ (૧) હોળી વિષે નિબંધ, (૨) અમદાવાદનો ઈતિહાસ, (૩) જૈનાચાર્ય શ્રી વીરવિજયજીનું જીવનચરિત્ર.

***