ઘડતર અને ચણતર
‘ઘડતર અને ચણતર’ એ આપણા સંનિષ્ઠ કેળવણીકાર શ્રી નાનાભાઈની આત્મકથા છે. ગ્રંથસ્થ થયા પહેલા ઈ. સ. ૧૯૪૫થી એ “કોડિયું”માં ક્રમશઃ પ્રકટ થઈ હતી. પ્રસ્તાવનામાં એમણે આ કૃતિ લખવાનો મૂળભૂત હેતુ ‘દક્ષિણામૂર્તિ’ સંસ્થાનો ઇતિહાસ આલેખવાનો જણાવ્યો છે. તેઓ આ કૃતિને આત્મકથા ગણતા નથી. એમના જીવનના ઘડતરના બળાબળો, તથા સંસ્થાના ચણતર સાથે એમનાં ગુણદોષોનું અહીં એમણે નિરૂપણ કર્યું છે. કેળવણીના ક્ષેત્રમાં પડવા ઇચ્છતી વ્યકિતને આ અનુભવવાણી ઉપયોગી થઈ પડે એ જ એનો હેતુ હોવાનું એમણે જણાવ્યું છે.
સંસ્થાનો ઇતિહાસ આપવાના હેતુસર એમણે એમના પૂર્વજીવનને સળંગ રીતે અવલોક્યું છે અને આલેખ્યું છે. દક્ષિણામૂર્તિના ઉદય અને અસ્ત સાથે સંકળાયેલું જીવન પરસ્પરનાં ઘડતર અને ચણતરને પોષતું હોવાથી, સંસ્થાના ઇતિહાસ સાથે એમના જીવનનો ઇતિહાસ પણ અનાયાસે એમાં પ્રગટ થયો છે.
— રસીલા કડીઆ
‘આત્મકથા : સ્વરૂપ અને વિકાસ’માંથી સાભાર