ચંદ્રહાસ આખ્યાન/આસ્વાદલક્ષી અભ્યાસ
ચંદ્રહાસાખ્યાન : શૃંગ પર પહોંચવાનો અણસાર...
કવિ પ્રેમાનંદને ગુજરાતી સાહિત્યજગત ઉત્તમ આખ્યાનકાર તરીકે ઓળખે છે. એ જમાનામાં કથારસની જમાવટ કરતાં અને નાટ્યાત્મક વસ્તુવાળાં કથાનકો પ્રજાને વધુ આકર્ષતાં. – આજે પણ આકર્ષે છે. તેથી રસની સુરેખ માંડણી અને સંક્રાંતિ માટે પ્રેમાનંદની સમયાન્તરે નોંધ લેવાતી રહે છે. સર્જકના સાહિત્યને એના સમયકાળના સંદર્ભે મુલવવું જોઈએ. પ્રેમાનંદે લગભગ સાડા ચાર દાયકાના સર્જનકાળ દરમિયાન વિપુલ સર્જન કર્યું બધા સર્જકોની સર્જકતામાં સમયોચિત ચઢાવ-ઉતાર આવે એમ આ સર્જકમાં પણ આવ્યા હોય એ સ્વાભાવિક છે. તેમ છતાં પૂરા મધ્યકાળમાં પ્રેમાનંદ પ્રતિભાશાળી આખ્યાનકાર તરીકે આપણી સામે ઊપસી આવે છે. આથી એ સમયની એમની પ્રતિભાનો સ્પર્શ આજે પણ આપણને થયા વિના રહેતો નથી. એ એમના સર્જનની મહત્તા કહેવાય. સર્જક આખરે પોતાના સમયનું સંતાન હોય છે. એ પોતાના પુરોેગામી સર્જકોના ખભે બેસી દૂરનું જોઈ શકતો હોય છે. પ્રેમાનંદ પણ એમાં બાકાત નથી. પ્રેમાનંદે પોતાના સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતીના પુરોેગામી કવિઓના સર્જનનું આકંઠ પાન કર્યું હશે. સાથેસાથે સમકાલીનોની કૃતિઓમાંથી ખપજોગું સ્વીકાર્યું અને પોતાના પ્રતિભાસ્પર્શથી ઊંચકી બતાવ્યું છે. આખ્યાન કથાત્મક કવિતાનો, પ્રાચીન પુરાણો અને અત્યારના ખંડકાવ્યોને પડખે બેસે તેવો લાંબો કાવ્યપ્રકાર છે. કાવ્યપ્રકાર તરીકે આખ્યાન કડવાબદ્ધ અપભ્રંશ અને પછીના સાહિત્ય સ્વરૂપોનું સાતત્ય જાળવે છે. આખ્યાન એટલે ગાન અને અભિનય સાથે થતી પ્રસ્તુતિ. આવા પ્રકારનો ત્રિવિધ (ગાવું-વગાડવું-કહેવું-નો) કથાકસબ એ જમાનાના માણસોનો ત્રિવિધ તાપ દૂર કરનારો નીવડતો હશે. એટલે મધ્યકાળમાં આખ્યાન સ્વરૂપ ઠીકઠીક લોકપ્રિય બન્યું અને વિકસ્યું પણ. આખ્યાનમાં સામાન્ય રીતે પહેલા કડવામાં ગણપતિ અને સરસ્વતીની સ્તુતિરૂપે મંગલાચરણ કરવામાં આવે છે. એમાં ક્યારેક આખ્યાનના વિષયવસ્તુનો નિર્દેશ કરી મંગલાચરણ કરી પૂર્વકથા પ્રસ્તાવનારૂપે પણ મૂકવામાં આવે છે. આખ્યાનનું વિષયવસ્તુ બધા જ આખ્યાનકાર સામાન્યતઃ રામાયણ, મહાભારત, ભાગવત વગેરે ખ્યાત ગ્રંથોમાંથી લે છે. પછી પોતાની રીતે વસ્તુવિકાસ સાધવા પોતાના સમયના સમાજને પણ યથાવકાશ આલેખવાનો મોકો લે છે. જેથી એ સમયના લોક-સમાજને, એમાં આવતાં ઘટના પ્રસંગો અને પાત્રો પોતીકાં લાગે. પ્રેમાનંદ પોતાનાં આખ્યાનોમાં શ્રોતાગણનો પરિચિત સંસાર જ આલેખે છે. ‘મામેરું’માં સીમંતવિધિ, ‘ઓખાહરણ’, ‘ચંદ્રહાસાખ્યાન’ વગેરેમાં લગ્નવિધિનું સુરેખ આલેખન એ સમયનાં રીત-રિવાજોને આપણી સામે મૂકી આપે છે. એમણે કરેલાં વનનાં વર્ણનો એ એ કાળની વનસૃષ્ટિનો પ્રેમાનંદને કેટલો નજીકનો પરિચય હશે તેની પ્રતીતિ કરાવે છે. ‘નળાખ્યાન’, ‘ચંદ્રહાસાખ્યાન’માં આવાં વિગતપ્રચુર વર્ણનો તેમની પ્રતિભાનો ખ્યાલ આપે છે. મધ્યકાળમાં મહાભારત અને રામાયણની તથા બીજી અનેક ધાર્મિક કથાઓ પ્રસિદ્ધ હતી. આમાં ચંદ્રહાસની કથા, ભક્તિનો મહિમા કરવામાં અનુરૂપ કથા હોવાથી મધ્યકાળના ઘણા સર્જકોને આ કથાએ આકર્ષ્યા હતા. જૈમિનીના ‘અશ્વમેધ પર્વ’ની આ કથા અનેક નાટ્યાત્મક વળાંકોવાળી હોવાથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે છે. જો કે આ પ્રકારના થીમવાળી પુરાણ આધારિત પ્રહલાદની કથા પણ પ્રસિદ્ધ છે. જેમાં ‘વિધાતાના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી.’ ‘જીવાડનાર ખુદ ભગવાન હોય તેને કોણ મારી શકે’, ‘રામ રાખે તેને કોણ ચાખે?’ એ વાત આ કથાવસ્તુમાં મુખ્ય છે. આવા પ્રકારનું વિષય-વસ્તુ ભક્તિ-મહિમાકાળમાં પ્રસિદ્ધ ન થાય તો જ નવાઈ. આવા પ્રકારનું વસ્તુ એ જમાનામાં સમાજમાં માણસની દુરિત વૃૃૃત્તિને કાબૂમાં રાખવા પણ પ્રસ્તુત ગણાય. ૦ જે આખ્યાનમાં પ્રેમાનંદની કાવ્યપ્રતિભાનો આછો ખ્યાલ આવે એવાં તેમનાં પ્રમાણમાં આરંભે લખાયેલાં આખ્યાનોમાં ‘ચંદ્રહાસખ્યાન’ (રચનાવર્ષ ઈ.સ. ૧૭૨૭) આવે. ભક્ત અને ભક્તિનો મહિમા કરતું આ આખ્યાન ૨૮ કડવાંમાં વિસ્તરેલું છે. પહેલા કડવામાં જ પ્રેમાનંદ શ્રોતાઓને વિષયપ્રવેશ કરાવી આપે છે. કૌરવો સામે વિજય મેળવીને અશ્વમેધ યજ્ઞના ઘોડાને પાંડવોએ છૂટો મૂક્યો છે એને બે બાળકો પકડી લે છે. પ્રતિભાવાન આ બે બાળકો પાંડવોની સેનાને હરાવે છે. આવાં પ્રતિભાશાળી બાળકો કોનાં છે એવા અર્જુનના જિજ્ઞાસાપ્રશ્નના જવાબમાં નારદ અર્જુનને ચંદ્રહાસની કથા સંભળાવે છે. લગભગ આવી કથા કહેવા સંભળાવવાની અને સાંભળવાની ફલશ્રુતિ આપવાનો ઉપક્રમ મધ્યકાળની મોટાભાગની સાહિત્યકૃતિઓમાં જોવા મળે છે. આવી રીત આ એ સમયના શ્રોતાગણ સાથે ભાવાત્મક રીતે જોડાઈ જવાનો સરસ તરીકો છે. મૂળ નક્ષત્રમાં જન્મેલો બાળક તેના મા-બાપ માટે ઘાતક બન્યો. પછી એ અનાથ બાળકનો પ્રભાવ એનું ભરણપોષણ કરનાર દાસી પર પણ પડવાથી એનું પણ મૃત્યુ થાય છે. પછી ત્રીજા કડવામાં ‘પછે એ પુત્રની શી ગત થઈ, તેને રાખ્યો શ્રી ભગવાન’ એમ આગળનું કથાસૂત્ર આ બે બાબતે આગળ ચાલે છે. પછી તો એ બાળકની ‘શી ગત’ થઈ અને ભગવાને કેવી રીતે તેને તારી લીધો એ બાબત જ શ્રોતાઓને ઉત્સુક રાખવા માટે પૂરતી છે. પ્રેમાનંદે સમયાન્તરે આવતા નાટ્યાત્મક વળાંકો ઉપસાવીને કથારસમાં ક્યાંય ક્ષતિ થવા દીધી નથી. એટલે કથામાં એક પ્રકારનો નાટ્યાત્મક વેગ અનુભવાય છે. બ્રહ્મભોજનમાં ધૃષ્ટબુદ્ધિએ આ અનાથ બાળકને દક્ષિણા ન આપી તો ગાલવ મુનિએ જાહેરમાં ભવિષ્યવાણી કરી કે જેને તું ભિખારી માનીએ હડધૂત કરે છે તે ભવિષ્યમાં તારો જમાઈ થશે. આ ભવિષ્યવાણી અને ધૃષ્ટબુદ્ધિનો ક્રોધમિશ્રિત દ્વેષ આખી કથામાં કેન્દ્રસ્થાને રહે છે. સમયે સમયે ધૃષ્ટબુદ્ધિના ચંદ્રહાસને મારી નાખવામાં કાવતરાં અને ભગવતભક્તિને તાંતણે બંધાયેલો ચંદ્રહાસ એ બધામાંથી કેવો આબાદ ઊગરી જાય છે એ એક પ્રકારનો ભક્તિમહિમાનો આલેખ બની જાય છે, તેમ છતાં કથારસને આંચ આવતી નથી એ પ્રેમાનંદનો વિશેષ ગણાય. ધૃષ્ટબુદ્ધિનું કુલીંદના દેશમાં રહેવું અને ચંદ્રહાસને પોતાના પુત્ર મદન પાસે કૌન્તલપુર મોકલવો એમાં પ્રેમાનંદ બે ઘટનાને સાથેસાથે ગૂંથે છે. લીલી વાડી સુકાઈ જવાની ઘટનાવાળી કથા તેરમાં કડવામાં આલેખાવાને બદલે બ્રહ્મભોજનવાળા પ્રસંગ પાસે ક્યાંય એની ગૂંથણી કરી હોત તો વધારે ઉચિત રહેત. કારણ કે પછીથી આગળની ઘટનાને આખ્યાનમાં વણવામાં રસભંગ થાય છે. ઉપરાંત કથામાં વિષયાનું પાત્ર પણ મુખ્ય હોવાથી તેના જન્મની કથાને દુર્વાસાના શાપ સાથે ક્યાંક જોડી શકાઈ હોત તો ચૌદમા કડવામાં વિષયાનો તાત્કાલિક પ્રવેશ થોડો આગંતુક લાગે છે તે સ્વાભાવિક લાગત. અને અર્જુનને વાડીના અચાનક લીલી થયા વિશે સંદેહ પડ્યો તે પણ ન પડત. જેથી આખ્યાનની વસ્તુસંકલના વધારે સુરેખ બની શકી હોત. એ જ રીતે કૌન્તલપુરના રાજા, રાજપુરોહિત ધૃષ્ટબુદ્ધિ પાસે ગૌણ ભૂમિકામાં આવી જાય. આ આખ્યનમાં પ્રેમાનંદની સર્જકતાનાં દર્શન ક્યાં ક્યાં થાય છે તે જોવું રસપ્રદ બનશે. આ આખ્યાનનાં રસસ્થાનો ક્યાં ક્યાં અને ક્યાં? આ રસસ્થાનો આજના ડિઝીટલ જમાનામાં કેવાં કારગત નીવડે છે તે પણ જોવું પડશે. આ ઉપરાંત બહુઆયામી મનોરંજન વચ્ચે શ્વસનાર આજના માનવીને આજથી ચારસો વર્ષ પહેલાં લખાયેલા આ આખ્યાનમાંથી કંઈ આશ્વાસક કે રસાવહ લાધી શકે તેમ છે કે કેમ? મધ્યકાળના સમગ્ર સાહિત્યની ભક્તિપ્રધાન તાસીરને પ્રતાપે આ સાહિત્યની મુલવણીમાં ક્યાંક પૂર્વગ્રહપ્રેરિત વિવરણ થવાનો ભય રહે છે. અમુક વિદ્વાનોએ આ તત્વને મર્યાદારૂપ પણ લેખ્યું છે. પણ ‘મધ્યકાલીન કાવ્યકૃતિઓને એના સમયના સંદર્ભમાં જોવાની હોય’ એ વાક્યને સામે રાખવાનું છે. આ આખ્યાનમાં નાયક ચંદ્રહાસને ભક્ત તરીકે જ વધારે ઉપસાવવાની સર્જકની પહેલેથી જ નેમ રહી છે. એટલે આપણે આ પાસાને ધ્યાનમાં લેવું પડશે. પ્રેમાનંદ આખ્યાનના આરંભે જ કહી દે છે ‘અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા વક્તા ધન્ય’. આમ કહેવા પાછળ પ્રેમાનંદને પરાક્રમ અને શૂરવીરતાની ઉપર ભક્તિ છે –ભક્તિનું પ્રાધાન્ય બતાવવું છે. ભક્તિ હશે તો પરાક્રમ અને વીરત્વ આપોઆપ આવશે એવો ગૂઢાર્થ કથાના આરંભે પણ છે. અર્જુનને નારદ કહે છે ‘સહસ્ર વસા સતવાદી રાજા કોણે ન જીત્યો જાય.’ આ ઉપરાંત વિષયા અને ચંદ્રહાસ વચ્ચેના પ્રણયરસના આલેખનમાં પણ આ ભક્તિ-પ્રાધાન્ય નડ્યું હોય એવું લાગે છે. ચંદ્રહાસ અને વિષયાના લગ્ન પહેલાં ક્યાંક પ્રેમાનંદ કુંતલપુરમાં મિલન કરવી શક્યો હોત કારણ કે ‘સૂતેલા ચંદ્રહાસને વિષયા મનોમન કહે છે ‘ઘેર જઈને વાટ જોઉં છું ઉતાવળા તમો આવો; મદનભાઈને મળજો, સ્વામી પત્ર લખ્યું એ લાવો.’ આવી બધી બાબતો પ્રેમાનંદના આ આખ્યાનમાં મર્યાદાપક્ષમાં ઊભેલી દેખાતી હોવા છતાં આપણને તેનો રસપક્ષ વધારે સંતર્પક લાગે છે. કારણ કે કોઈ સર્જકની મહત્તા ત્યારે સ્થપાય જ્યારે તેની કૃતિ ભાવકને તેના કોઈ પાસા અંગે ચર્ચાનો મોકો પ્રદાન કરે. આવી કૃતિ ગમે તેટલો સમય વીતે તો પણ એમાં અર્થઘટનની ઘનતા ઓછી થવા દેતી નથી. આ પાસું જ કૃતિને સર્વકાલીન બનાવે છે. આ આખ્યના ભક્તિની તરજ પર ઊભું હોવાથી ચંદ્રહાસ પ્રતાપી રાજા તરીકે નહીં પણ ભક્ત તરીકે જ વધારે ઊપસે છે એ આપણે આગળ જોયું. એ સાથે ચંદ્રહાસ એક નિરુપદ્રવી વ્યક્તિ તરીકે પણ આપણી સામે ઊપસે છે. એની ભલાઈ આખ્યાનમાં બધી જગ્યાએ દેખાય છે. એ સતત આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ કરતો ભળાય છે. ધૃષ્ટબુદ્ધિ ક્રૂર છે, એણે પોતાના પાલક પિતાનું બહુ શોષણ કર્યું છે એનો ચંદ્રહાસને ખ્યાલ હોવા છતાં તે, પત્ર નહીં ખોલવાની તેમજ અરધી રાતે સાધુવેશ ધારણ કરી કાલિકાની પૂજા કરવા જવાની આજ્ઞાનું પાલન કરે છે. મદન ચંદ્રહાસને આવા પ્રકારનું જોખમ લેવાની ના પાડે છે તો એ કહે છે ‘પિતા તમારે મુજને આજ્ઞા આપીજી, શ્વસુર પિતાને થાનક; વચન લોપે તે મહાપાપીજી.’ ચંદ્રહાસની બાબતમાં સાચી પડતી લાગે છે. આ ઉપરાંત પોતાનાં કુકર્મોના પ્રતાપે મૃત્યુ પામનાર ધૃષ્ટબુદ્ધિને સજીવન કરવા એ મહાકાળી પાસે આત્મભોગ આપવા પણ તૈયાર થાય છે. બાળ ચંદ્રહાસ ભણવા બેસે છે તો પોતાના સહપાઠીઓને અને આખા નગરને ભક્તિના રંગે રંગે છે. ‘અધ્યારુ અમસ્થો રહ્યો, કીધો ચંદ્રહાસનો સંગ રે, પાટી પાટલા પછાડ્યા પૃથ્વી, લગ્યો રસ સંગાથે રંગ રે.’ આમ આ કથા મસે પ્રેમાનંદે ભક્ત અને ભક્તિનો મહિમા વ્યક્ત કરવાનો ઉદ્ેશ સેવ્યો છે. એ જમાનાના ધર્મભીરુ શ્રોતાઓને પણ પરાક્રમ,શૂરવીરતાને બદલે ધર્મ અને ભક્તિનો મહિમા જ રુચે છે. આ આખ્યાનના મુખ્ય પાત્ર ભગવતભક્ત ચંદ્રહાસ કરતાં માત્ર બે જ કડવામાં પ્રગટ રીતે આવતું વિષયાનું પાત્ર સર્જકના હાથે જતન પામ્યું છે. આખ્યાનમાં આ બે કડવાંમાં સુકાયેલી વાડી લીલી થઈ એ ઘટના અને વિષયા દ્વારા પત્રમાં ‘વિષ’નું ‘વિષયા’ કરવું આ બે વાનાં નિરુપાયાં છે. અહીં પ્રેમાનંદનાં પછીનાં આખ્યાનોમાં જે ઉત્તમ આખ્યાનકાર તરીકેની પ્રતિભા દેખાવાની હતી તેનાં દર્શન થાય છે. આ બે કડવાંનાં વર્ણનો જરા ઝીણવટથી જોવા જેવાં છે. જલક્રીડા કરતી વિષયા અને તેની સખીઓની વિવિધ ચેષ્ટાઓ પ્રેમાનંદની વર્ણનકળાનો ઉત્તમ નમૂનો બની રહે છે. એમાં વિષયાની સખીઓના જુદાં જુદાં ક્રિયાકલાપોનું ક્રિયાત્મક-ચિત્રાત્મક-ગતિશીલ વર્ણન... "કો કુસુમ વીણે ગુણવંતી લાગી ગાવાજી; કો શરીર સમારે, ઉત્તમ ઓવારે કોઈ ઊતરે કોઈ નહાવાજી. કો તટ બેસે, કો જળમાં પેસે, તરુણી જાય તરવાજી; કો ડૂબકી ખાય સંતાડી કાય, વળી બહાર નીસરે વઢવાજી. કો આલિંગન દેતી, ‘મૂકો મૂકો’ કહેતી, કો કર દેતી તાળીજી; કો ડૂબકી ખાય સંતાડી કાય, વળી બહાર નીસરે વઢવાજી. કો આલિંગન દેતી, ‘મૂકો મૂકો’ કહેતી, કો કર દેતી તાળીજી" અહીં એકારાંત અંત્યાનુપ્રાસ એક પ્રકારનો લય-પ્રાસ તો જાળવે જ છે, સાથે સાથે એનું આંતરનિરીક્ષણ કરતાં તેના આહાર્ય અભિનયાત્મક ક્રિયા-કલાપો આપણી સામે ખડા થાય છે. આ બધી જ કડીઓમાં એક પ્રકારની ગતિનો અહેસાસ થાય છે. તો બીજી વિશેષતા એ મારે ખાસ નોંધવી છે કે આપણા સાહિત્યમાં સૌન્દર્યની બાબતમાં સ્ત્રીના સૌન્દર્યના વર્ણનના મુકાબલે પુરુષોના સૌન્દર્યનું વર્ણન પ્રમાણમાં ઓછું છે. એમાંય સ્ત્રીના મુખે પુરુષના સૌન્દર્યનું વર્ણન તો ભાગ્યે જ થયેલું જોવા મળે છે. સામાન્ય રીતે કવિદ્વારા જેના મુખે વર્ણન થતું હોય તેનાં રસ-રુચિ, ગમા-અણગમા, ભાષાસામર્થ્ય વગેરેનાં દર્શન થતાં હોય છે. એ અર્થે અહીં વિષયાનાં મૂખે ચંદ્રહાસના સૌન્દર્યનું વર્ણન થયું છે. આમાં મજા એ વાતની છે કે ભક્તિપ્રધાન અને ભક્તનો મહિમા દર્શાવતા આ આખ્યાનમાં ચંદ્રહાસને ભલે પ્રેમાનંદે રસિક અને સૌન્દર્યલુબ્ધ કે વિષયાના પ્રણયાનુરાગી તરીકે નથી આલેખી શકાયો પણ જાણે–અજાણ્યે એનાથી માત્ર બે કડવાંમાં તો બે કડવામાં વિષયાનો રસિક અને મસ્તીસભર સ્વભાવ આલેખાયો છે. સાથે સાથે એ જેટલી સુંદર છે તેટલી ‘સ્માર્ટ’ પણ છે. એની પરિસ્થિતિને સંભાળી લેવાની કાબેલિયત તો અદ્ભુત છે. ચંદ્રહાસાખ્યાનમાં કાવ્યરસની દૃષ્ટિએ ચૌદ, પંદર અને સોળમું કડવું અતિ સંતર્પક છે. એમાંય પંદરમાં કડવામાં આવતું વિષયાના મુખે થતું ચંદ્રહાસના સૌન્દર્યનું વર્ણન ઉત્તમ છે. - ‘શકુ ચંચા અતિ ઉત્તમ, જાણે અધરબિંબ અલંકૃત; શશી-સવિતા શ્રવણે કુંડળ, દાડમકળી શા દંત! કપોત કંઠ, કર કુંજરના સરખા, હથેળી અંબુજવરણ.’ અને ‘આકાશે અભ્ર અળગું થયે ચંદ્રબિંબ દીસે જેવું; ત્યમ પિછોડી પર કીધે મુખ કુલિંદકુંવરનું તેવું.’ આ વર્ણનમાં ઉપમાન અને ઉપમેયને સામસામે રાખીને બન્ને વચ્ચેના સાદૃશ્યનું વિષ્લેષણ કરવા જેવું છે. વિષયાની સ્માર્ટનેસનાં દર્શન તો એ જ્યાં સુધી ચંદ્રહાસની પાસે રહી ત્યાં સુધી જે જે કાર્ય કર્યું તેમાં થાય છે. કેવાં કેવાં માનસિક અને પારિસ્થિતિક દબાણો વચ્ચે એને કાર્ય કરવાનું આવ્યું એ થોડું વિસ્તૃત રીતે જોવું રસપ્રદ બનશે. વિષયાને થોડા સમયમાં જ આ યુવકની ઓળખ કરવાની છે. એની સામે ચંદ્રહાસના સેવકો અને પોતાની સખીઓ, લીલી થયેલી વાડી જોવા ગયાં છે એ આવી જવાનું દબાણ છે. ‘રખે કો દેખે સહિયર મુજ પેખે એમ દ્રષ્ટ રાખતી આડી’ (‘રખે’ અને ‘દેખે’ના પ્રાસની ઘનતા તપાસી જોવા જેવી છે) પોતાના માલિક સાથે વધારે સમય આ અજાણી સ્ત્રી રહે તો વફાદાર એવા ઘોડાનું અવાજ કરીને ચંદ્રહાસને જગાડી દેવાનું દબાણ છે. આ તો દિવસે સૂતેલો ચંદ્રહાસ છે એટલે એની નિંદર તૂટવાનો તો ભય છે જ. પછેડી ઓઢીને સૂતેલા આ યુવકનું મોઢું કેવી રીતે જોવું-પેછેડી ઉઘાડું ને એ જાગી જાય તો શું થાય? ‘નિદ્રા-વશથી કેમ ઉઠાડું? પછી શું કહેવાશે?’ આ બધાં દબાણો એની સામે છે. પછી પત્ર જોયા-ખોલ્યા બાદ આ દબાણોનો દાબ વધતો જાય છે. આવી પરિસ્થિતિમાં એણે જે કરવું હોય તે કરવાનું છે. આની સામે ચંદ્રહાસ સામે આવેલાં બધાં સંકટોમાં પ્રેમાનંદ અગાઉથી કંઈને કંઈ સંકેત મૂકીને તે તરી જવાનો છે એની ખાતરી શ્રોતાને આપી દે છે. પણ અહીં વિષયાની બાબતમાં એને ક્યાંય કવિએ આવો મોકો આપ્યો નથી. એટલે જ વિષયાનું પાત્ર આપણી સામે થોડો સમય રહે છે તો પણ અસર છોડી જાય છે. પત્રનું લખાણ વાંચીને હતપ્રભ થયેલી વિષયાને થોડું પણ આશ્વાસન સાંપડે એવી એક પણ બાબત નથી. સામે પક્ષે પરિસ્થિતિ બધી બાજુથી વિષયા પર જ દબાણનો ગાળિયો કસતી જતી હોય તેમ તંગી થતી જાય છે. પત્ર એમનેમ રહેવા દઉં તો હમણાં જ મારા ભાઈના હાથે આવો સોહામણો યુવક મારી નજર સામે જ મોતને ઘાટ ઉતરી જાય. અને જો પત્ર જ લઈ લઉં તો? ‘પત્ર લેઉ તો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘ્ન થાય.’ એટલે વિષયા માટે આ સ્થિતિ ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી થઈ છે. એ પોતાની સખીઓ સાથે, જળક્રીડા કરવા આવી છે એટલે પત્રમાં એક અક્ષર વધારવા કલમ અને ખડિયો તો પોતાની સાથે ન લાવી હોય! કલમનું અને શાહીનું કામ અન્ય હાથ-વગાં ઉપકરણો પાસેથી લેવાની સુધબુધ આવી સ્થિતમાં ક્યાં લેવા જવી? બુદિ્ધવાન અને સ્થિતપ્રજ્ઞ વિષયા રડતી આંખનું કાજળ અને તરણું તો મેળવી લે છે પણ આવા બનાવેલાં અન્ય ઉપકરણો વડે પિતાના જેવા જ અક્ષરમાં લખવું કેમ? -રડતી આંખે ને ધ્રુજતા હાથે એકલા કાગળિયામાં લખવું કેમ? આંસુ પડે ને અક્ષરો રેળાય તો? ધ્રુજતા હાથે પિતાના અક્ષરની આબાદ નકલ કેમ કરવી? પણ આ તો વિષયા છે ‘તરણા વતે લખ્યું તારુણીએ, (ધરી) હૃદયા મધ્યે ધીર’ આમ આવી અનેક બાબતો પ્રેમાનંદનાં આખ્યાનો અને મધ્યકાળના સાહિત્યમાં આજના બહુઆયામી મનોરંજનના જમાનામાં પણ યુવાધનને સાહિત્યકાળનો નરવો તોષ આપે એવું સામર્થ્ય છે. જરૂર છે તેના સુધી જવાની. આજની યુવાપેઢીને મોટા ભાગે હાર્ડફોર્મમાં રહેલા આ અમોલ સાહિત્ય પાસે લઈ જવી અઘરી છે ત્યારે ‘એકત્ર ફાઉન્ડેશન’ ઈ-બુકરૂપે આવું સાહિત્ય યુવાધનને સપડાવે છે એની આપણા સાહિત્યજગતે નોંધ લેવી જોઈએ. રમણભાઈ જેવા યુગકાર્યો કરનારા વિદ્વાન આવી શ્રેણીની પરિકલ્પના કરે અને એને સાકાર કરવાનું જોમ દાખવે એ બાબત અમારા જેવા માટે પથદર્શક અને અનુકરણીય છે. –પ્રવીણ કુકડિયા